-> વક્તાઓએ ગુજરાતી વ્યાકરણના વિવિધ મુદ્દાઓ, શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ તેમજ ગુજરાતી ભાષાના વિસરાતા શબ્દો: ભાષાની બદલાતી તાસીર અને તસવીર અંગે વક્તવ્યો રજુ કર્યા :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે ભાષા નિયામકની કચેરી ગાંધીનગર- રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજભાષા પ્રદર્શન અને પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પુસ્તક મેળા, રાજભાષા પરીસંવાદ કાર્યક્રમ જેવા કાર્યક્રમો દ્વારા આપણી ભાષા, ભાષાના મૂલ્યો અને ભાષા સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવો એ આપણું લક્ષ્ય અને કર્તવ્ય હોવું જોઈએ. ગુજરાતી ભાષા વિશે વાત કરતા ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ પ્રથમ ભાષા હતી,

તેમાંથી પ્રાકૃત ભાષા અને પ્રાકૃત ભાષામાંથી અપભ્રંષ ભાષા આવી અને આ અપભ્રંષ ભાષામાંથી ગુજરાતી ભાષાનો જન્મ થયો. હેમચંદ્રાચાર્ય, આદિકવિ નરસિંહ મહેતાથી લઈને ઉમાશંકર જોશી જેવા અનેક લેખકો અને કવિઓએ ગુજરાતી ભાષાને વિશ્વ વ્યખ્યાત ભાષા તરીકે નામના અપાવી છે. ગુજરાતી ભાષા આપણને વિરાસતમાં મળી છે, તેને સાચવવાનું કર્તવ્ય આપણા સૌનું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા માતૃભાષા અને ગુજરાતી ભાષાના મૂલ્યોના પ્રચાર પ્રસાર માટે.

આવા કાર્યક્રમનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં અસાઇત સાહિત્ય સભાના મેનેજિંગ ટ્રસ્ટી અને વક્તા શ્રી વિનાયક રાવલે ગુજરાતી વ્યાકરણના વિવિધ મુદ્દાઓ અંગે, શેઠ જી.સી. હાઇસ્કુલના નિયામક અને વક્તા શ્રી યશોધર રાવલે શિક્ષણમાં માતૃભાષાના મહત્વ અંગે તેમજ સેન્ટ્રલ યુનિવર્સિટી, ગુજરાતના પ્રોફેસર અને વક્તા ડૉ. રાજેશ મકવાણાએ ગુજરાતી ભાષાના વિસરાતા શબ્દો: ભાષાની બદલાતી તાસીર અને તસવીર અંગે વિસ્તૃત વક્તવ્ય રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ભાષા નિયામકશ્રી કીનલબેન ખરાડીએ સ્વાગત પ્રવચન કરી ભાષા નિયામક કચેરીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત વાત કરી હતી તેમજ નાયબ નિયામક શ્રી કેતન ઉપાધ્યાયે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન. પટેલ, સાર્વજનિક વિદ્યાલયના માનદ મંત્રીશ્રી મિલનભાઈ ચૌધરી, ભાષા નિયામકની કચેરીના સંશોધન અધિકારી શ્રી વિરલ ગોહિલ તેમજ ભાષાનિયામકની કચેરીના કર્મયોગીઓ સહિત જિલ્લાની વિવિધ શાળાના ભાષા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.



