ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના દેવનીમોરીમાં પ્રવાસન વિભાગનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, દેવની મોરીનો વિકાસ મોડાસા માટે ગ્રોથ એન્જિનનું કામ કરશે, શામળાજી પાસેના દેવનીમોરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. અરવલ્લીનું શામળાજી પવિત્ર યાત્રાધામ તરીકે વિશ્વ પ્રસિધ્ધ છે ત્યારે શામળાજી ખાતે જ દેવની મોરીમાં બુધ્ધના અવશેષ મળી આવતાં દેવની મોરીનો વિકાસ કરવામાં ગુજરાતના પ્રવાસન વિભાગે મહત્વકાંક્ષી યોજનાઓ બનાવી છે. અને એ યોજનાઓ ફળીભૂત થશે તો દેવની મોરી આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે ગુજરાત સરકારની રાજયના મહત્વના પ્રવાસન તથા પૌરાણિક મહત્વ ધરાવતા પ્રવાસ ધામોના વિકાસની નીતિ અન્વયે શામળાજી પાસે ઇન્ટરનેશનલ બુધ્ધિષ્ટ સરકીટ “દેવનીમોરી” મહત્વકાંક્ષી પ્રવાસન સ્થળના વિકાસ યોજના અંતર્ગત દેવનીમોરી સર્વે નં.૨૦૨,૨૨૪/૧,૨૨૪/૨, તથા ૨૨૫ અને શામળાજીના સર્વે નંબર-૩૯ની જમીનો પ્રવાસનના વિકાસ માટે ગુજરાત પ્રવાસન નિગમ લી.ને જમીનો તબદીલ કરવામાં આવેલ છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માટે પણ ફાઈલ મોકલાતાં કેન્દ્રની મંજૂરી આવતાં જ દેવની મોરીનું કામ શરૂ થશે.ભગવાન બુધ્ધના ગુજરાતની ધરતી સાથેના સંભારણાને જોડતી આંતરરાષ્ટ્રીય સ્પિરીચ્યુયલ પર્યટન સરકીટ સંભવીત આકાર પામી રહી છે. ગુજરાતનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભવ્ય વારસામાં ભગવાન બુધ્ધના જીવન સાથે સંકળાયેલ અનેક ઘટનાઓ અને સ્થળોનો ઘણો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં એવા અનેક સ્થળો છે જ્યાં ભગવાન બુધ્ધ વિહાર કરી ગયા હોય. બુધ્ધ ધર્મના અનુયાયીઓ જ્યારે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે ત્યારે એમના આરાધ્ય એવા ભગવાન બુધ્ધના જીવન સાથે જોડાયેલા ગુજરાતમાંના અનેક સ્થળોને પર્યટન સ્થળ તરીકે એકરૂપતા સાથે વિકસાવી બુધ્ધિસ્ટ સરકીટ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય બુધ્ધિસ્ટ સરકીટ વિકસાવવા માટે ઈન્ટરનેશનલ બુધ્ધિસ્ટ ફેડરેશન સાથે કરાર કરવામાં આવ્યા છે.

જેમાં, દેવની મોરીને મહત્વના ગ્લોબલ બુધ્ધિસ્ટ સ્પીરીચ્યુયલ સ્થળ રૂપે વિકસાવવાનો પ્રોજેક્ટ ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ગુજરાતના બધા સ્થળોમાં દેવની મોરી એ મેશ્વો નદી ઉપર આવેલી વિશાળ બૌધ્ધ સ્તૂપ, ચૈત્ય, વિહાર ધરાવતું મહત્વનું સ્થળ છે. જે અંગેનું સંશોધન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. પ્રારંભિક ધોરણે ગુજરાત સ્થિત 12 બુદ્ધિસ્ટ સર્કિટને વિકાસ માટે પસંદ કરવામાં આવી છે. શામળાજી ખાતે આવેલ પ્રાચીન દેવની મોરી સહિત ૧૩ સ્થળોનો સમાવેશ થાય છે. મોડાસાથી શામળાજી ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે ત્યારે શામળાજીથી અભ્યાસ અર્થે, આરોગ્ય માટે તેમજ ખરીદી માટે લોકોને મોડાસા આવવાની ફરજ પડે છે. શામળાજીના દેવની મોરીનો વિકાસ એ મોડાસા માટે પણ ગ્રોથ એન્જીનનું કામ કરશે. અમદાવાદ તરફથી શામળાજી આવવા માટે હિંમતનગર અથવા મોડાસા થઈને રોડ મારફતે આવવું પડે છે ત્યારે મોડાસા એ વિકાસશીલ શહેર છે જેમાં હાલ રીયલ એસ્ટેટ સહિત, હોસ્પિટલ, કોલેજો, શાળાઓ, હોટેલો વિકસી રહી છે. મોડાસા એ વિકસીત શહેર હોવાથી ભવિષ્યમાં હેલીપેડ કે રેલ્વે સ્ટેશનની સુવિધાઓ મોડાસામાં થશે જેના કારણે મોડાસાનો વિકાસ આકાશને આંબશે. દેવની મોરીના વિકાસ બાદ શું સુવિધાઓ મળશે ?

શામળાજી ખાતે આવેલ મેશ્વો નદીના કિનારે વિકાસ પામનાર પ્રાચીન દેવની મોરી ખાતે અપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, ટુરિસ્ટ કીઓસ્ક, સાઈનેજિસ, પ્રવાસીઓની સુરક્ષા માટે સિક્યુરિટી કેબિન, CCTV કેમેરા, પ્રવાસીઓને બેસવા માટેના બાંકડા, પીવાના પાણીની સુવિધા, અન્ય પ્રવાસી સુવિધાઓ સાથે મુખ્ય બિલ્ડીંગ કોમ્પ્લેક્સ, ઈંટરપ્રિટેશન સેન્ટર, કેફેટએરિયા, રિફરેશમેંટની સુવિધા તેમજ સોવિનિયર શોપ, કાર પાર્કિંગ ની સુવિધા, વોચ-ટાવર, એકઝીબિશન અને ઓરિએનશનલ, રેસ્ટિંગ એરિયા જેવી ઉચ્ચ સુવિધાઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવામાં આવશે.અરવલ્લીના શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમ નજીક દેવની મોરી ખાતે બુધ્ધના અવશેષો મળતાં બુધ્ધ આ વિસ્તારમાં વિહાર કરી ગયા હોવાના પુરાવા સામે આવ્યા છે. ત્યારે સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા દેવની મોરીને વિકસાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. દેવની મોરીના વિકાસ માટે મહેસુલ વિભાગ હસ્તકની જમીન, સિંચાઈ વિભાગ હસ્તકની જમીન, જંગલ વિભાગ હસ્તકની જમીન બુધ્ધિષ્ટ ટ્રેઈલ તથા પ્રતિમા માટે ઈકો ટુરીઝમ હેઠળ વિકસાવવા માટે જમીનોની ફાળવણી સહિતના પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે.

Contribute Your Support by Sharing this News: