છતીસગઢમાં ઠાર થયેલા 29 નકસલીઓમાં ટોપ કમાન્ડર શંકર રાવ અને લલિતા
છતીસગઢના કાંકરેજ જિલ્લાના હાપાટોલા જંગલમાં નકસલીઓ વિરૂધ્ધ અત્યાર સુધીની મોટી કાર્યવાહી
કાંકરેજ (છતીસગઢ) તા.17 – છતીસગઢના કાંકરેજ જિલ્લાના હાપાટોલા જંગલમાં નકસલીઓ વિરૂધ્ધ અત્યાર સુધીની મોટી કાર્યવાહી થઈ હતી. જેમાં એક સાથે 29 જેટલા નકસલીઓ માર્યા ગયા હતા. જેમાં નકસલીના ટોપ કમાન્ડર શંકર રાવ અને લલિતા ઢેર થયા હતા. આ ટોપ કમાન્ડર માટે 25 લાખના ઈનામો જાહેર થયા હતા.
જવાનો સાથેની અથડામણમાં વધુ એક નકસલી કમાન્ડર રાજુ પણ માર્યો હતો હતો. ડીઆઈજી ઈન્ટેલિજન્સ આલોકકુમાર સિંહે જણાવ્યું હતું કે નકસલીઓને જવાબી કાર્યવાહીનો મોકો નહીં આપીએ.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે મંગળવારે બીએસએફ અને ડીસ્ટ્રીકટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના 1000થી વધુ જવાનોએ 50થી 60 નકસલીઓને જંગલમાં ઘેરી લીધા હતા. આ અથડામણ દરમિયાન 29 જેટલા નકસલીઓ માર્યા ગયા હતા.
આ અથડામણ દરમિયાન ડીઆરજીના બે જવાન પણ ઘાયલ થયા હતા જયારે બીએસએફ ઈન્સ્પેકટરને પગમાં ગોળી વાગી હતી ઘાયલ જવાનોને ઈલાજ માટે હવાઈ માર્ગે રાયપર મોકલાયા હતા. આ અથડામણ ત્યારે થઈ હતી જયારે બસ્તરમાં 19મી એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે.