સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવાય તો નવાઈ નહીં:અમિત શાહ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે, ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે
ગરવી તાકાત, રાજકોટ તા. 31 – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. આજે સાંજના 4 કલાકે અમિત શાહ સોમનાથ પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. આવતી કાલે વહેલી સવારે સોમનાથ દાદાની આરતીમાં ભાગ લેશે. સોમનાથ દાદાની પૂજા બાદ અમિત શાહ બપોરે રવાના થશે. જોકે, સૂત્રોની માનીએ તો રાજકોટ ગેમ ઝોનમાં આગ મામલે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓનો પણ ક્લાસ લઈ શકે છે.
સમગ્ર મામલામાં કોની બેદરકારી હતી, ક્યાં ચુક રહી, આવી ઘટનાઓ ન બને તે માટે શું કરવું, અને સ્થાનિક નેતાઓની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર અમિત શાહ ગુજરાત ભાજપની ટીમ સાથે ચર્ચા કરી શકે છે. જોકે, સત્તાવાર આ અંગે કોઈ જાણકારી અપાઈ નથી. અમિત શાહ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે, ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે. ઉલ્લેખનીય છેકે, રાજકોટ આગકાંડમાં મજા માણતા 12 બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. રાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવશે. ટૂંકું રોકાણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા રવાના થશે. દર વખતે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. હીરાસર એરપોર્ટ ખાતે TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સ્થાનિક નેતાઓનો ક્લાસ લેવાય તેવી શક્યતા છે. આવું રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. અગ્નિકાંડ મામલે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શકે છે. બપોરના સમયે અધિકારીઓ-પદાધિકારીઓ હીરાસર એરપોર્ટ દોડી જશે.