ગરવીતાકાત,મહેસાણા: મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો રામોસણા ચોકડીથી સોમનાથ ચોકડી સુધી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડો.આંબેડકર પુલને હજુ બન્યાને બહુ વર્ષ પણ વીત્યા નથી ત્યાં આજે બિસમાર બની જવા પામ્યો છે.ભારે વરસાદને કારણે પુલ ઉપર મોટા-મોટા ગાબડાં પડી જવા પામ્યા છે, અને અમૂક ગાબડાં તો એટલી હદે ઊંડા પડ્‌યા છે કે રીતસર ધાબાના સળિયા બહાર દેખાવા માંડ્‌યા છે.પુલ ઉપર વચ્ચેના ભાગે જ મોટા-મોટા ગાબડાં પડ્‌યા હોવાથી જો કોઈ ભારે વાહન આ ગાબડાં ઉપર ભૂલથી પણ ચાલે તો આર-પાર ખાડો પડી જાય તેવી પરિસ્થિતિ છે. પંદર  દિવસ પહેલાં  ગાબડાં પડ્‌યા હતા અને રેલવે વિભાગની એક અધિકારીએ  જાતે ઉભા રહીને એ ગાબડાં પુરાવ્યા હતા, પરંતુ ગાબડાં પૂર્યાને પંદર દિવસ વીત્યા નથી ત્યાં ફરીથી જોખમી ગાબડાં પડી ગયા છે. જો આ ગાબડાં મજબુતીથી પુરવામાં નહિ આવે તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.

વિસનગર લીંકરોડને જોડતા આ પુલ ઉપરથી રાજસ્થાન તરફથી અને કચ્છ તરફથી આવતા રોજના અસંખ્ય ભારે માલવાહક ટ્રકો અને ટ્રેલરો હિંમતનગર તરફ જતા હોય છે અને હિંમતનગર તરફથી આવતા હોય છે, જેના કારણે આ પુલ સતત ભારે વાહનોથી ધમધમતો રહે છે. રેલવે વિભાગ દ્વારા આ પુલ ઉપર મજબૂતાઈથી કામ કરવું જોઈએ તેની જગ્યાએ વેઠ વાળીને જતા રહે છે.હાલમાં પડેલા મોટા-મોટા ગાબડાને કારણે રીક્ષા ડ્રાઈવરો અને નાના વાહનો આ પુલ ઉપરથી પસાર થતા પણ ગભરાતા જોવા મળે છે. રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક આ ભયવાહક ગાબડાને પુરાવવા જોઈએ તેવી વાહનચાલકો અને લોકોની માંગ છે.