અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને જ આ સ્કીમનો લાભ મળતો હતો નાના ખેડૂતો અને દૂકાનદારોને 60વર્ષની ઉંમર પછી મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે અને 26 જુલાઈ સુધી ચાલશે, સ્પીકરની ચૂંટણી 19 જૂને વડાપ્રધાને પ્રથમ નિર્ણય શહિદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા પછી શુક્રવારે કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. પહેલા નિર્ણયમાં શહીદોનાં સંતાનોની શિષ્યવૃત્તિમાં 25%થી 33% સુધીનો વધારો કરાયો. હવે શહીદોના પુત્રોને 2000ના બદલે માસિક 2500 રૂપિયા અને પુત્રીઓને 2250 રૂપિયાના બદલે માસિક 3000 રૂપિયા શિષ્યવૃત્તિ અપાશે. આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓનાં સંતાનોને પણ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે. વડાપ્રધાન મોદીએ ટિ્વટ કરી આ નિર્ણયની માહિતી આપી. તેમણે લખ્યું, ‘અમારી સરકારનો પહેલો નિર્ણય દેશનું રક્ષણ કરનારાને સમર્પિત છે.’

અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વડાપ્રધાન ખેડૂત યોજના સમગ્ર દેશના બધા ખેડૂતો પર લાગુ કરી દેવાઈ છે. અત્યાર સુધી બે હેક્ટર જમીનવાળા અંદાજે 12 કરોડ ખેડૂત તેના દાયરામાં હતા. નવા નિર્ણય હેઠળ બધા ખેડૂતોને ત્રણ હપ્તામાં દર વર્ષે છ-છ હજાર રૂપિયા મળશે.ખેડૂતો માટે પેન્શન યોજના પણ મંજૂર કરાઈ છે. બધા નાના અને સીમાંત ખેડૂતો માટે સ્વૈચ્છિક અને અંશદાનવાળી પેન્શન યોજના મંજૂર કરાઈ છે. 18થી 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે. 60 વર્ષની વય પછી તેમને દર મહિને ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે.આ સાથે 5મી જુલાઈએ સરકાર બજેટ રજૂ કરશે.

1. કિસાન સમ્માન નિધિ યોજના

વચગાળાના બજેટમાં થયેલી જાહેરાત મુજબ, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા લાગૂ થશે નહિ. તોમરે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 3 કરોડ ખેડૂતોના ખાતામાં આ યોજનાના પૈસા પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન એવી માંગ પણ ઉઠી કે તમામ ખેડૂતોને આ યોજનનો લાભ મળે. 12.5 કરોડ ખેડૂત આ યોજના અંતર્ગત આવતા હતા. 2 કરોડ ખેડૂત જ આ યોજનાથી વંચિત રહેતા હતા. હવે 14.5 કરોડ ખેડૂત લાભ લઈ શકશે. 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

2. કિસાન પેન્શન યોજના

કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું કે સરકારે નાના ખેડૂતો(ખેતીની જમીનના આધારે)ને 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પ્રતિમાસની પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજનામાં 18થી 40 વર્ષના ખેડૂત સામેલ થઈ શકે છે. 18 વર્ષની ઉંમરમાં આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવનારને 55 રૂપિયા પ્રતિ મહિને આપવાના રહેશે. સરકારે પણ આટલી જ રકમ આપવી પડશે. સરકાર આ યોજના પર 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

3. નાના દુકાનદારોને પેન્શન

દોઢ કરોડ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર વાળા 3 કરોડ નાન કારોબારીઓ-દુકાનદારો માટે ખેડૂતોની જેમ જ પેન્શન યોજના શરૂ કરવામાં આવશે. આવા દુકાનદારો-કારોબારીઓને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન મળશે. 18 વર્ષની ઉંમરમાં આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરનારે દર મહિને 55 રૂપિયા, 29 વર્ષની ઉંમર હોય તો 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમર હોયતો 200 રૂપિયા પ્રતિ મહિને જમા કરાવવાના રહેશે. સરકારે પણ આટલી જ રકમ જમા કરાવવી પડશે.

4. પશુઓને રોગમુક્ત બનાવવાનું લક્ષ્ય

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ઢોરોને 5 વર્ષમાં રોગમુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અંતર્ગત ખાસ રસીકરણની ચળવળ ચલાવવામાં આવશે. પશુઓને રોગ મુક્ત કરવાની આ યોજના પહેલેથી છે, પરંતુ તેનો 60 ટકા ખર્ચ કેન્દ્ર અને 40 ટકા ખર્ચ રાજય સરકાર ઉઠાવતી હતી. હવે 13 હજાર કરોડ રૂપિયાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. 30 કરોડ ગાય-ભેસ અને બળદો, 20 કરોડ ઘેટા-બકરાઓ અને 1 કરોડ ભંૂડને રોગ મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

5. 17મી લોકસભાનું પહેલું સત્ર 17મીથી, બજેટ 5 જુલાઈએ

17મી લોકસભાનું પહેલું સત્ર 17 જૂનથી 26 જુલાઈ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈએ નાણાકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સત્રની શરૂઆતના બે દિવસમાં નવા સાંસદોને શપથ અપાવાશે. નવા સ્પીકરની ચૂંટણી 19 જૂને થશે. 20 જૂને રાષ્ટ્રપતિ સંસદને સંબોધન કરશે.

6. ઓફિસ સંભાળતાની સાથે જ મોદીએ શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારી

વડાપ્રધાન મોદીએ ઓફિસ સંભાળતા જ પ્રથમ નિર્ણય શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો લીધો. રાષ્ટ્રીય રક્ષા ફન્ડ અંતર્ગત છાત્રપ્રવૃતિ યોજનાનો ફાયદો હવે આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા પોલિસ કર્મચારીઓના બાળકોને પણ મળશે. એક વર્ષમાં રાજય પોલીસ કર્મીચારીઓના 500 બાળકોનો સ્કોલરશીપનો કોટા રહેશે. સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે વિદ્યાર્થીઓને 2000ની જગ્યા એ 2500 રૂપિયા પ્રતિ મહિને અને વિદ્યાર્થીનીઓને 2250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.

Contribute Your Support by Sharing this News: