અમદાવાદ R&Bના અધિકારીઓને મહેસાણાના નટરાજ કન્સ્ટ્રક્શન કંપનીની ‘ભાઈબંધી’ માફક આવી ગઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

•અડધોઅડધ રોડ બનાવવાનું કામ બાકી છતાં 14 જાન્યુઆરીએ માર્ગ પૂર્ણ કરી દેવાયો હોવાના બોર્ડ લાગ્યું!

ગરવી તાકાત મેહસાણા: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી ગયેલા માર્ગો બનાવવા માટે ઠેકો આપી દેવામાં આવ્યા છે. પરંતુ નિયત સમયમાં માર્ગનું નિર્માણ નહી થતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ એવું કહેવાય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક અને નાયબ કાર્યપાલક ઇજનેરોને ઠેકેદારોની ‘ભાઈબંધી’ માફક આવી ગઇ છે. જેનું કારણ એકમાત્ર એવું જાણકાર સૂત્રો બતાવી રહ્યા છે કે કરોડો રૂપિયાના માર્ગ જન સુવિધા માટે નવ નિર્માણ કરવા સરકાર કટિબદ્ધ છે પરંતુ કોઈને કોઈ બહાને સમયસર માર્ગનું કામ કરાતું નથી અને ખખડધજ માર્ગના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

કેશવડીથી સરલા, બગોદરાને જોડતો અંદાજે ૭.૧૫ કરોડના ખર્ચે ‘પ્રધાનમંત્રી સડક યોજના’ અંતર્ગત નવનિર્માણ થતો માર્ગ 14 જાન્યુઆરીના પૂર્ણ કરી દેવાનો હતો. જે માર્ગ હજુ અડધોઅડધ નવો બનાવવાનો બાકી છે અને મહેસાણાની કન્સ્ટ્રક્શન કંપનીએ માર્ગ પૂર્ણ કરી દેવાયો હોવાનું બોર્ડ પણ જમીનમાં ઘાડી દીધું છે. જોકે આ બાબતે કામ કરનાર એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકાર બદલાઈ ગઈ અને અધિકારીઓ બદલાઈ ગયા એટલે કામ પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે કોઈની ભૂલનો ભોગ નિર્દોષ વાહનચાલકો શા માટે બને?

• સરકાર બદલાઈ ગઈ, અધિકારીઓની બદલી થઈ ગઈ એટલે સડક બનાવવામાં વિલંબ થયો

આ અંગે પ્રધાનમંત્રી સડક યોજનાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મચારી સતીશભાઈ એ જણાવ્યુ હતું કે માર્ગનું કામ ચાલુ હતું તેવા માં જ સરકાર બદલાઇ ગઇ હતી. સરકાર બદલાઈ જવાના કારણે અધિકારીઓની પણ બદલી કરી દેવામાં આવી હતી. જેના કારણે માર્ગ નિર્માણ માટે ઊભી થયેલી ટેકનીકલ ખામીઓ મંજૂર કરાવવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવ્યો છે જેના કારણે નિયત સમય મુજબ માર્ગ નિર્માણનું કામ પૂર્ણ કરી શકાયું નથી.

• ૧૪ કિલોમીટરના માર્ગનું કામ ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનું હતું હજુ અડધો રોડ પણ નવો બન્યો નથી

કેશવડીથી બગોદરાને જોડતો ૧૪.૧૪૦ કિ.મી.નો રોડનું કામ પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત 15/ 10 /2020ના શરૂ કરવામાં આવ્યું હોવાનું બોર્ડ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા આ માર્ગે જમીનમાં ખોડી દેવાયું છે. જે માર્ગ રૂ.૭.૧૫ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઇ રહ્યો છે. જેનું કામ 14 જાન્યુઆરી 2021 ના એટલે કે કામ શરૂ થયે ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આ માર્ગ માત્ર અંદાજે ૪ થી ૫ કિલોમીટર સુધીનો જ નિર્માણ થયો છે. હજુ મોટા ભાગનો માર્ગ બનાવવાનો બાકી હોય દૈનિક આ માર્ગેથી અવરજવર કરતા હજારો ગ્રામજનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

• બે કિલોમીટરનો માર્ગ અત્યંત જર્જરિત હોય વધુ નાણાંની ફાળવણી માટે રજૂઆત કરાઇ હતી

કેશવડી-બગોદરા માર્ગ નિર્માણ માં શા માટે વિલંબ થઈ રહ્યો છે તે અંગે ફોડ પાડતા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર લોયાએ કહ્યું હતું કે શરૂઆતના બે કિલોમીટરનો માર્ગ અત્યંત જર્જરિત હતો તેના પર ડામર થઈ શકે તેમ ન હતો એટલે લોકોને કોઇ અગવડ ન પડે તે માટે સરકાર પાસે માર્ગ મજબૂત બનાવવા વધુ નાણાંની માગણી કરવામાં આવી હતી. જેની મંજૂરી બે મહિના પૂર્વે માગી હતી જે તાજેતરમાં મળી છે એટલે હવે ફેબ્રુઆરી ના અંતિમ દિવસોમાં માર્ગનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.