અમદાવાદ સ્થિત લાલુજી એન્ડ સન્સ નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઉપર યુપી સરકારે પ્રતિબંધ મુકીને પાંચ વર્ષ માટે બ્લેક લીસ્ટ કરી છે.
આ પણ વાંચો – જમીન માપણીની કામગીરી કરનાર પ્રાઈવેટ એજન્સીઓને બચાવવા સરકારી તંત્ર ખડે પગે !!
પ્રયાગરાજ ખાતે યોજાયેલ કુંભ મેળામાં ટેન્ટ બાંધવાના કામમાં લાલુજી એન્ડ સન્સ કંપની પર 109 કરોડના ખોટા બીલો રજુ કરીને સરકારી પૈસાની ઉચાપત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અંગે યુપી સરકાર દ્વારા લાલુજી એન્ડ સન્સના ભાગીદારો ઉપર પોલીસ કેસ કરાયો છે. તેમની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આ બાબતે પ્રયાગરાજના આઈજી કે. પી. સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે લાલુજી એન્ડ સન્સના ભાગીદારો રમેશકુમાર અગ્રવાલ, જગદીશકુમાર અગ્રવાલ, વિનોદકુમાર અગ્રવાલ, સુનીલકુમાર અગ્રવાલ, વિપુલકુમાર અગ્રવાલ, મુકુલકુમાર અગ્રવાલ, હિમાંશુ અગ્રવાલ, નિખિલ અગ્રવાલ, ઉપાંશુ અગ્રવાલ, દીપાંશુ અગ્રવાલ ઉપર છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજો ઉભા કરવા બદલ આઈપીસીની કલમ 419, 420, 409, 467, 468, 471, 120બી અંતર્ગત આરોપ મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો – જમીન માપણી: વાંધા અરજીના આંકડાઓની માયાજાળ ફેલાવી પ્રાઈવેટ એજન્સીઓને છાવરવાના પ્રયાસ
સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, લાલુજી એન્ડ સન્સને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, કચ્છમાં રણ ઉત્સવ તથા કેવડીયા ખાતે ટેન્ટ સીટી જેવા પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત લાલુજી એન્ડ સન્સ દ્વારા નવરાત્રી, પતંગ મહોત્સવ, રણ ઉત્સવ, બીચ ફેસ્ટિવલ તથા ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજીત વિવિધ મેળા-ઉત્સવોનું કામ કરે છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત વહેતી થઈ છે અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ લાલુજી એન્ડ સન્સને આપવામાં આવેલ આ તમામ કોન્ટ્રાક્ટની તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


