અમદાવાદ શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ગઇ કાલે વસ્ત્રાપુર વિસ્તારમાં પાર્ક કરેલી બે કારના કાચ તોડી તસ્કરોએ રોકડ રકમ અને અગત્યના ડોક્યુમેન્ટ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાના પગલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે.

શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીનો સિલસીલો યથાવત છે ત્યારે ઘરફોડીયાઓ પોલીસને હંફાવી રહ્યા છે. તો બીજી બાજુ મોલ, થિયેટર, શોપીંગ સેન્ટરના પાર્કીંગ પ્લેસમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને સરસામાનની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય છે.

આ અંગે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં નીલકંઠ ગ્રીન બંગ્લોઝમાં રહેતા સમકિત ભાઈ શાહએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ તેઓ કાર માલિક તેમજ તેમના મિત્ર આલોક સાથે ટાઈમ સ્કવેરમાં ગયા હતા. સાંજે અગિયાર વાગ્યે તેઓ જમવામાં ગયા ત્યારે ગાડીના કાચ તુટેલા જોયા હતા. કારમાં તપાસ કરતાં તેમાંથી સાંકિતભાઈનું 15000ની કિંમતનું લેપટોપ પણ ગાયબ હતું.

બીજી બાજુ આજ વિસ્તારમાં વધુ એક બનાવ બન્યો છે. સાઉથ બોપલમાં આવેલ 444માં રહેતી અને સરખેજ પાસે આવેલ સિગ્નેચર બિઝનેસ પાર્ક 2માં આઇટી અને ડિઝાઇન વ્યવશાય કરતી શાલિની ફુકનએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે. શાલિની ગઈ કાલે રાત્રે સીંધુંભવન પર આવેલ સોહી કબાબ એન્ડ કરી નામના રેસ્ટોરન્ટ બહાર પોતાની સ્વીફ્ટ કાર પાર્ક કરીને જમા માટે ગયા હતા. શાલિની અને તેના પતિ જમી ને બહાર આવ્યા ત્યારે ગાડી પાસે આવીને જોયું તો ગાડીનો કાચ તૂટેલો હતો.

અજાણ્યા શખ્સો કારનો કાચ તોડીને તેમની બેગમાં રોકડા રૂપિયા અને અન્ય ડોક્યુમેન્ટ્સ સહિતની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે બે ફરિયાદને આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવીની ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પેહલાં જ વસ્ત્રાપુર-સોલામાં ચોર ટોળકીએ ચારથી વધુ ગાડીના કાચ તોડી કિંમતી માલસામાન ચોરી ગયા હતા.