આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે 3થી 4 જણ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ : અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જીનેશીસ બિલ્ડીંગનાં પાંચમા માળે એક ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતજોતામાં આગ પાંચમા માળેથી આઠમા માળ સુધી પ્રસરી ગઇ હતી. આ વિસ્તાર ગોદરેજ ગાર્ડન સીટી પાસે આવેલો છે. ફાયરની 10 ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલ આગ કાબુમાં આવી ગઇ છે.

ફાયરવિભાગનાં જણાવ્યાં પ્રમાણે 37 લોકોને આગ લાગેલી બિલ્ડીંગમાંથી બચાવી લેવામાં આવ્યાં છે. ત્રણ જણને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે ઘરમાં ગેસનો સિલેન્ડર ફાટતા આગ લાગી છે. પરંતુ હજી તેનું સાચું કારણ સામે આવ્યું નથી. સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમે રાહત કામગીરી ચાલુ કરી છે. રાહતની ટીમે 6થી 7 લોકોને બચાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આસપાસમાં આવેલા પોલીસ મથકનાં કર્મચારીઓને પણ બોલાવી લેવામાં આવ્યાં છે.


ફાયર વિભાગનાં અધિકારી બેભાન: રહેવાસી વિસ્તારમાં આગ લાગવાને કારણે અફરાતફરીનાં માહોલ સર્જાયો છે. મિથુન મિસ્ત્રી નામના ફાયર વિભાગનાં અધિકારી પણ રાહત કામગીરીમાં બેભાન થયા છે.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું ?: આ બિલ્ડીંગનાં છઠ્ઠા માળે રહેતા એક રહેવાસીએ અમારી સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘આ આગ પાંચમા માળે લાગી છે અને હું છઠ્ઠા માળે રહું છું. જેવી મને ખબર પડી કે નીચે આગ લાગી છે તો અમે થોડા લોકો ઉપર નવમા માળે જતા રહ્યાં હતાં. આ આગ ઇલેક્ટ્રિક શોકને લીઘે લાગી હોવાની આશંકા છે. ‘

રહેવાસીઓનો રોષ: અહીંનાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ફાયર વિભાગનાં ગજરાજ વાહન અહીં લાવ્યાં હતા પરંતુ કામ ન હતા કરતા. જો આ કામ કરતું હોત તો આગ બુઝાવવામાં આટલી વાર લાગી ન હોત. તો બીજી બાજુ ફાયરનાં અધિકારીએ જણાવ્યું હતું કે અમે અહીં આવતા હતા ત્યારે જ તેનું સાયલેન્સર લોક થઇ ગયું હતું. જેથી અત્યારે કામ નથી કરી રહ્યું. 

Contribute Your Support by Sharing this News: