કોરોનાકાળમાં દરેક હોસ્પિટલોનો સ્ટાફ દર્દીઓની સેવામાં લાગ્યો હતો. કર્મચારીઓ દિવસ રાત પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. અંદાજે 1200 જેટલા કર્મચારીઓને મહામારીના સમયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર રાખ્યા હતા. જેઓ દર્દીઓની સેવા કરી રહ્યા હતા. જાેકે આ કર્મચારીઓને હાલ છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ મામલે અમદાવાદના આરોગ્ય ભવન ખાતે મેડિકલ સ્ટાફ દ્વારા વિરોઘ કરવામાં આવ્યો હતો. જેમા તેમણે તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે કોરોનાકાળ સમયે આ કર્મચારીઓને પાર્ટ ટાઈમ માટે ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેઓ રોષે ભરાયા છે. આ કર્મચારીઓમાં લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસીસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ અને વગેરે લોકો છે કે જેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. એક સાથે 1200 કર્મચારીઓને છૂટા કરી દેતા અમદાવાદમાં આરોગ્ય ભવન ખાતે મેડિકલ સ્ટાફ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા કર્મચારીઓએ ભેગા મળીને સૂત્રોચ્ચાર કરીને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.