વી.એસમાં વધુ એક બેદરકારી, નર્સે ડ્રેસિંગ કરતી વખતે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યોગરવીતાકાત અમદાવાદ : વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા અહીં બે મહિલાઓના મૃતદેહની અદલા બદલીનો કેસ સામે આવ્યો હતો. હવે હોસ્પિટલની એક નર્સે છ મહિનાની બાળકીનો અંગૂઠો કાપી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. તાવ અને શરદીની ફરિયાદ બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ ડિસ્ચાર્જ કરતી વખતે નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો હતો.  ગુજરાતીએ હોસ્પિટલ ખાતે બાળકીના માતાને મળીને ખરેખર શું થયું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીની માતાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “મારી દીકરીને તાવ અને શરદી હોવાથી અમે 29મી તારીખે તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરી હતી. બે તારીખે અમે રજા લઈને અહીંથી જઈ રહ્યા હતા. આ દરમિયાન સિસ્ટરની બેદરકારીને કારણે બાળકીનો અંગૂઠો કપાઈ ગયો હતો. સિસ્ટરે હાથમાં લાગેલી પટ્ટીને ખોલવા માટે કાતરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી અંગૂઠો કપાઈ ગયો હતો.”બાળકીની માતાએ વધુમાં જણાવ્યું કે, “હવે હોસ્પિટલનું તંત્ર કહી રહ્યું છે કે અમારાથી જે થતું હતું તે અમે કર્યું છે. હવે તમે બાળકીને વધારે સારવાર માટે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ શકો છે. મારી એટલી જ માંગણી છે કે મારી દીકરી અહીં જેવી આવી હતી એવી જ જોઈએ છે. હોસ્પિટલનું તંત્ર હાલ એવા પ્રયાસોમાં વ્યસ્ત છે કે અમે અહીંથી રજા લઈને જતા રહીએ. બાળકીના કાકાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, “હાલ બાળકીની હાલત સામાન્ય છે. થોડા સમય પહેલા તેની હાલત વધારે ખરાબ હતી. સારવાર બાદ બાળકીને રજા આપતી વખતે નર્સે હાથમાંથી વિગો પર લાગેલી પટ્ટી કાપવા જતાં અંગૂઠો કાપી નાખ્યો હતો. બાળકીના ભવિષ્યનો સવાલ હોવાથી અંગૂઠો કાપી નાખનારી નર્સ સામે પગલાં લેવા જરૂરી છે. અમે એટલું જ ઇચ્છીએ છીએ કે બાળકીને સારી સારવાર મળે.

“બાળકીનો અંગૂઠો કાપવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. વી.એસ. હોસ્પિટલ બેદરકારીનો અડ્ડો બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટી હોસ્પિટલને બંધ કરવા માંગે છે આથી જ અહીં કહેવા પૂરતો સ્ટાફ રાખ્યો છે. સ્ટાફને સસ્પેન્ડ કરશો તો બીજા લોકો સાવચેત બનીને કામ કરશે.” આ અંગે પ્રતિક્રિયા આપતા અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું કે, “આ દુઃખદ ઘટનામાં જે પણ દોષિત હશે તેની સામે પગલાં લેવામાં આવશે. આ ઘટનાની પૂરતી તપાસ કરવામાં આવશે.” અમદાવાદના મેયર બિજલ પટેલે મીડિયા સામે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલમાંથી તમામ સારા ડોક્ટરોને નવી બનેલી એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આથી અહીં સારવાર માટેની કોઈ અદ્યતન વ્યવસ્થા નથી.