લોકોના ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળુ વિખેર્યું
ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટે રજુઆતો કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – હિંમતનગરમાંથી પસાર નેશનલ હાઈવે નં.8 પર આજે સવારે એક સ્થાનીક રાહદારીનું વાહન અકસ્માતમાં મોત થતા ગ્રામજનો વિફર્યા હતા અને ચકકાજામ સાથે ડીવાયએસપીની કાર સળગાવી દેતા પોલીસે ટીયરગેસના સેલ છોડી લોકોના ટોળાને વિખેર્યા હતા. હિંમતનગરના ગામડા ગામ પાસે પસાર થતા નેશનલ હાઈવેમાં છાશવારે અકસ્માત સર્જાતા રહે છે.
ત્યારે આજે સવારે એક સ્થાનીક રાહદારીનું વાહન અકસ્માતમાં મોત થતા તેના પગલે ગ્રામજનો એકઠા થઈ ચકકાજામ સાથે હાઈવે પર ટાયર સળગાવી, પથ્થર, ઝાડના પડ મુકી હાઈવે બંધ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પરંતુ રોષે ભરાયેલા લોકોના ટોળાએ ડીવાયએસપીની ગાડી સળગાવી અન્ય ત્રણ-ચાર ગાડીના કાચ તોડી નાખતા પોલીસે કાયદો હાથમાં લેનાર પર ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
નોંધનીય છે કે નેશનલ હાઈવે નંબર-8 પર રોજબરોજ અનેક વાહનો પસાર થતા હોય છે ત્યારે આજે ગ્રામજનો દ્વારા ચકકાજામ કરવામાં આવતા બન્ને બાજુએ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. ગામડી ગામ પાસે છાશવારે અકસ્માતની ઘટના બને છે જેને લઈ ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટે રજુઆતો કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.