નગરપાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોનો ઉગ્ર રોષ, રખડતા પશુઓ ડબ્બામાં પૂરવાની માંગ.

ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુર શહેરમાં રખડતા ઢોરોનો અડીંગો યથાવત જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને ડબ્બામાં પુરીને નિકાલ માટેની કાર્યવાહી માટે ખર્ચ પણ ઉધારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ રખડતા ઢોરો શહેરના જાહેર માર્ગો પર અડિંગો જમાવીને ઉભા રહેવાની સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે.

પાલનપુર શહેરમાં રખડતાં ઢોરોને કારણે અવારનવાર નિર્દોષ લોકો જાન ખુવારીના ભોગ બની રહ્યા છે. અગાઉ ગાય વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત થયું હતું. તે ઉપરાંત પાલનપુરમાં નાસ્તાની લારી ચલાવતા એક આધેડને ગાયે શિંગડુ ભરાવી ઉછાળતા તેમનું પણ મોત નિપજ્યું હતું. તે ઉપરાંત રખડતાં પશુઓ દ્વારા ઢીંક મારીને ઈજાઓ કર્યાના અનેક બનાવો નોંધાઇ ચૂક્યા છે. તેમ છતાં પણ માત્ર મલાઇદાર કામોમાં જ રસ દાખવતી નગરપાલિકાના સત્તાધીશો માત્ર કાગળ પર જ કામો બતાવતા હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તો અનેક કામો કાગળ પર દર્શાવ્યા પરંતુ વાસ્તવિકતામાં થયા જ ન હોવાનુ બહાર આવે તેમ છે.

પાલનપુર શહેરમાં સફાઇની વાત કરવામાં આવે તો શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે. પરંતુ સફાઇ બાબતે પણ પૂરતી દરકાર લેવામા ન આવતી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર મલાઇદાર કામોમાં રસ દાખવતા નગરપાલિકાના સત્તાધીશો સામે જિલ્લા કલેક્ટર તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરે અને શહેરીજનોના પ્રશ્નોને ઉકેલવા માટે સૂચના આપે તેવી જનમાંગ ઉઠવા પામી છે.