સરદાર પટેલના ભાષણોમાં વ્યક્ત થતી સામાજિક નિસ્બત અને વર્તમાનમાં તેની પ્રસ્તુતતા વિષય ઉપર એસ.પી. યુનિવર્સિટી દ્વારા સંજય જોષીને ડિગ્રી અપાઇ
સરદાર પટેલના નિર્વાણ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર પટેલ એકતા ટ્રસ્ટના ચીફ મેનેજર અને એડિશનલ કલેકટર સંજય જોષીને સરદાર વલ્લભભાઈ પટેલના ભાષણોમાં વ્યક્ત થતી સામાજિક નિસ્બત અને વર્તમાનમાં તેની પ્રસ્તુતતા વિષય ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર દ્વારા સમાજશાસ્ત્ર વિભાગના ડૉ. ઇલાબેન મેકવાનના માર્ગદર્શન હેઠળ પી.એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી હેઠળ બનેલ એક્ઝિબિશનમાં પ્રગટ કરવામાં આવેલ વિષય વસ્તુઓ એકઠી કરવા માટે સંજય જોષીએ ભારતભરમાં પ્રવાસ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્ય સંબંધિત ફિલ્મો ઓડિયો સ્પીચીસ, ઐતિહાસિક દસ્તાવેજો, વિવિધ ડિપાર્ટમેન્ટની ફાઈલો, તેમના ફોટોગ્રાફ્સ, પુસ્તકો તત્કાલીન ન્યૂઝ પેપર કટિંગ્સ વગેરે એકઠા કરવામાં આવ્યા હતા. શ્રી સંજય જોષી આ ઐતિહાસિક વિષય ઉપરાંત એન્જિનિંયરીંગ, કાયદો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સોશિયોલોજીમાં ડિગ્રીઓ ધરાવે છે.
હાલમાં ગાંધીનગર ખાતે સ્પોર્ટસ યુનિવર્સિટીમાં સેવા આપી રહેલા એડિશનલ કલેકટર સંજય જોષી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સીસરાણા ગામના વતની છે .સંજય જોષી નવી દિલ્હી ખાતે યુનાઇટેડ નેશન્સમાં પણ કામ કરી ચૂક્યા છે.