દિવાળીના તૂર્ત બાદ ફટાકડા ઉત્પાદક-ધંધાર્થીને નિશાન બનાવાયાના ધોરણે અન્ય સીઝનલ ધંધાર્થીઓ ઝપટે ચડી શકે છે
આવકવેરા વિભાગના સુત્રોએ કહ્યું છે કે, સીઝનલ ધંધાઓનું ટર્નઓવર-વેપારનો આંકડો કરોડો-અબજોમાં થતો હોય છે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 05 – ગુજરાતમાં છેલ્લા એકાદ માસમાં આવકવેરા વિભાગે શ્રેણીબધ્ધ દરોડા પાડીને મોટાપાયે કરચોરી પકડી પાડી છે ત્યારે આવનારા મહિનાઓમાં હજાુ વધુ ઓપરેશન હાથ ધરાવાના સંકેતો છે. અને તેમાં સીઝનલ ધંધાર્થીઓ પર તવાઇ ઉતારવામાં આવે તેવી શક્યતા છે. દિવાળીના તૂર્ત બાદ ફટાકડા ઉત્પાદક-ધંધાર્થીને નિશાન બનાવાયાના ધોરણે અન્ય સીઝનલ ધંધાર્થીઓ ઝપટે ચડી શકે છે. આવકવેરા વિભાગના સુત્રોએ કહ્યું છે કે, સીઝનલ ધંધાઓનું ટર્નઓવર-વેપારનો આંકડો કરોડો-અબજોમાં થતો હોય છે છતાં સીઝનલ ધંધા હોવાથી ધંધાર્થીઓ છટકી જતા હોવાનું કરવેરા વિભાગને ધ્યાને આવ્યું હતું. દિવાળી પછી તૂર્ત જ અમદાવાદના અંબિકા ફટાકડાના ધંધાર્થી-અંબિકા ફાયર ક્રેકર્સમાં દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મોટી રકમના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો મળી આવ્યા હતા. કરવેરા વિભાગે આ કાર્યવાહી ટેસ્ટ કેસ તરીકે કરી હોવાની ચર્ચા વચ્ચે એમ કહેવાય છે કે ધંધાર્થીના જંગી શંકાસ્પદ આર્થિક વ્યવહારોથી તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. સીધા કરવેરા બોર્ડને રીપોર્ટ કરાયો હતો. અને તેના દ્વારા સીઝનલ ધંધાર્થીઓ પર ખાસ વોચ રાખીને દરોડા કાર્યવાહી હાથ ધરવાની મૌખિક સૂચના આપવામાં આવી છે.
નાણાંકીય વર્ષ ખતમ થવાને આડે હવે પૂરા ચાર મહિના પણ બાકી નથી એટલે હવે ઇન્કમટેક્સ વાર્ષિક વસુલાત ટારગેટ સિધ્ધ કરવા માટે કામગીરીનો વ્યાપ વધારે તે સ્પષ્ટ છે. ગુજરાતમાં તો એકાદ-બે મહિનાથી શ્રેણીબધ્ધ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમાં અંદાજીત 2000 કરોડની કરચોરી પકડાયાના સંકેત છે. આ સમયગાળામાં આવકવેરા વિભાગે અમદાવાદ, વડોદરા, ધ્રાંગધ્રા, ગાંધીધામ જેવા શહેરોમાં સ્વાતિ ગ્રુપ ઉપરાંત શીપરમ સ્કાય ગ્રુપ, શેલડીયા ગ્રુપ, ધારા કેમીક્લ્સ, બ્લીચકેમ, અવિરત ગ્રુપ જેવા બિલ્ડર્સ-કેમીકલ્સ જુથો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજેશ દેસાઇ તથા રાજેશ ઠક્કર જેવા રીયલ એસ્ટેટ બ્રોકરોને પણ નિશાન બનાવવાયા હતા.
આ સિવાય વડોદરાની પ્રકાશ કેમીકલ્સ, આર.આર. કેબલ, ધ્રાંગધ્રાની ડીસીડબલ્યુ, ગાંધીધામમાં ગુટખા જુથને નિશાન બનાવવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે એકાદ કાર્યવાહી મુંબઇના કનેકશનમાં પણ થઇ હતી. આ અગાઉ સુરત-રાજકોટ જેવા સેન્ટરોમાં ઝવેરી ગ્રુપો પર પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગના સૂત્રોએ એમ કહ્યું છે કે, છેલ્લા એકાદ-દોઢ માસના દરોડા ઓપરેશનમાં જ 2000 કરોડની કરચોરી ખુલવાની શંકા છે. કારણ કે દરેક દરોડા કાર્યવાહીમાં જંગી રકમના શંકાસ્પદ- બીનહિસાબી નાણાં વ્યવહારો પકડાયા હતા. જપ્ત દસ્તાવેજોના આધારે હજુ તમામમાં તપાસ ચાલી જ રહી છે અને સંબંધીત વિભાગો એપ્રેઝલ રીપોર્ટ બનાવે ત્યારબાદ કરચોરીના આંકડાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.
બિલ્ડર્સ, જવેલર્સ, કેમીકલ્સ, ફટાકડા તથા ગુટખા ગ્રુપ પરની આ દરોડા કાર્યવાહીમાં અંદાજીત 35 કરોડ તો રોકડા મળી આવ્યા હતા. પાંચ કરોડનું ઝવેરાત પકડાયુ હતું અને 100થી વધુ બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા. એમ કહેવાય છે કે, આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચુંટણી યોજાવાની છે તેની પ્રક્રિયા શરૂ થાય તે પુર્વે જ આવકવેરા વિભાગ હજુ કેટલાંક દરોડા ઓપરેશન હાથ ધરીને વાર્ષિક વસુલાત ટારગેટ સિદ્ધ કરી લેવાના મૂડમાં છે. ચુંટણી વખતે તંત્રની કામગીરી મુદે કોઈ ઉહાપોહ કે કચવાટ-નારાજગી ઉભી ન થાય તે માટેની રણનીતિ છે.