ગુજરાતની ન્યાયિક પ્રક્રિયામાં દુષ્કર્મના આરોપીને સૌથી ટૂંકા સમયમાં સજા સુરતની કોર્ટે આપી છે. સચિન જીઆઈડીસીમાં ગત 12 ઓક્ટોબરે 4 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીને ઘટનાના 29 દિવસમાં જ છેલ્લા શ્વાસ સુધીના કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ખુબ પ્રસંશા થઈ રહી છે.
સચીન જીઆઇડીસીના 4 વર્ષની બાળકીનું અપહરણ કરી આરોપીએ દોઢ કિલોમીટર દૂર ખંડેર એપાર્ટમેન્ટ નજીક લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ચકચારી ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીનુ નામ હનુમાન નિસાદ સામે આવ્યુ હતુ. ઝડપાયેલ આરોપીને કોર્ટે આજીવન કેદ તથા 1 લાખનો દંડ ફટકારાયો છે.
કોર્ટ તથા પોલીસની કાર્યવાહીને હર્ષ સંઘવીએ વખાણી
સુરતની સેશન્સ અને પોક્સો કોર્ટ દ્વારા આરોપી હનુમાન નિસાદને આકરી સજા ફટકારવામાં આવી છે. તમામ વિભાગોએ ઉત્તમ સંકલન કરવાની સાથે સાથે મોડીરાત સુધી કોર્ટમાં કાર્યવાહી કરીને આરોપીને આકરી સજા ફટકારી છે. ન્યાયિક પ્રક્રિયામાં સંકળાયેલા પોલીસ, વકીલ, જજ સહિતના કર્મચારીઓને કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ઐતિહાસિક ચુકાદો છે. આ ચુકાદાથી આરોપીઓમાં ડરનો માહોલ પેદા થશે. જેથી બાળકીઓ સલામત રીતે રહી શકશે