— પાલનપુરની પોકસો કોર્ટમાં કેસ ચાલી જતાં પાંચમા એડીશનલ સેશન્સ જજનો ચુકાદો :
ગરવી તાકાત પાલનપુર : વડગામપંથકના એક ગામમાં રહેતી સગીરા બે વર્ષ અગાઉ રાત્રે લધુશંકા કરવા ગઇ હતી. ત્યારે જલોત્રાનો શખ્સ તેણીનું મોઢું દબાવી ઉઠાવી ગયો હતો. અને ઘરમાં ગોંધી રાખી દુષ્કૃત્ય ગુજાર્યુ હતુ. આ અંગે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ પાલનપુરની પોકસો કોર્ટમાં ચાલી જતાં પાંચમી એડીશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને 20 વર્ષની સજાનો ચૂકાદો આપ્યો હતો.
વડગામ પંથકના એક ગામમાં રહેતી સગીરા તા. 21 ઓગષ્ટ 2020ની રાત્રિએ એકાદ વાગે લઘુશંકા કરવા ગઇ હતી. ત્યારે જલોત્રાનો કાંતિભાઇ ઘેમરભાઇ પરમાર (ઠાકોર) તેણીનું મોંઢુ દબાવી ઘસડીને ઘરમાં લઇ ગયો હતો. જ્યાં ગોંધી રાખી દુષ્કૃત્ય આચર્યુ હતુ. બીજા દિવસે આ અંગે કોઇને વાત કરીશ તો સગીરા, તેના ભાઇ અને માતા- પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
અને રાત્રે એક વાગે ઘરે મુકી ગયો હતો. જ્યાં તેણીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પાલનપુરની પાંચમી એડીશનલ સેશન્સ અને સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે. એન. ઠક્કરે જીલ્લા સરકારી વકીલ જશુભાઇ એસ. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી કાંતિ પરમારને ઇપીકો ક. 363, 342, 506 (2), 376 (એ) (1) પોસ્કો કલમ 4, 6, તથા 8ના ગૂનામાં 20 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડ જો દંડ ન ભરે તો વધુ બે માસની સજાનો હૂકમ કર્યો હતો.
— સગીરાને 5 લાખ વળતર આપવાનો આદેશ :
આરોપીને કોર્ટે ઇપીકો ક.ની જુદીજુદી કલમોમાં તકસીરવાન ઠરાવી જુદી જુદી સજાનો ચુકાદો આપ્યો હતો. તેમજ ભોગ બનનારી સગીરાને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર