ગરવીતાકાત,અરવલ્લી: રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ તો દિવસેને દિવસે વધી રહ્યું છે, અરવલ્લીના મોડાસા જી.આઈ.ડી.સી નજીક મોડી રાત્રે ટ્રક અને ટેમ્પો ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોના ચાલક અને ક્લીનરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલી મોડાસા ટાઉન પોલીસે બંને મૃતકની લાશને પીએમ માટે દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ટ્રક સાથે અકસ્માત બાદ ટેમ્પોની કેબિનનો ભુક્કો થઇ ગયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.

રક્ષાબંધનની મોડી રાત્રે મોડાસા હજીરા વિસ્તારમાં ટ્રક-ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. શામળાજી તરફથી આવતા ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારી મોડાસા તરફથી શામળાજી તરફ જઈ રહેલા ટેમ્પા (ગાડી. નં -GJ 16 V  6203 ) ને ધડાકાભેર ટક્કર મારતા ટેમ્પાના કેબિનનો કડૂચાલો વળી જતા ટેમ્પો ચાલક મહેશભાઈ ઉર્ફે દીતો મણાભાઈ ડામોર ( ઉં.વર્ષ-૨૫) તથા ગિરીશ ઉર્ફે ટીનીયો નાનાભાઈ નાયક (ઉં.વર્ષ-૨૬ )ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે દોડી આવેલ મોડાસા ટાઉન પોલીસે બંને મૃતકોની લાશને પીએમ માટે ખસેડી દીધા હતા.મોડાસા ટાઉન પોલીસે દેવેન્દ્ર કુમાર મણાભાઈ ડામોરની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: