–બાઇક સવાર હાથીદરાના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા અરેરાટી
ગરવી તાકાત પાલનપુર: પાલનપુર તાલુકાના માલણ રોડ પર વાસડા નજીક રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર પ્રકારની ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે બાઈક પાછળ બેઠેલ ઇસમ અને રીક્ષામા સવાર મહિલા સહિત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોનો સિલસિલો છેલ્લા કેટલાક દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાલનપુર તાલુકાના માલણ રોડ પર વાસડા નજીક સર્જાયેલા અકસ્માતની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના હાથીદરા ગામના રમેશસિંહ ગોદડસિંહ ડાભી નામનો આશાસ્પદ યુવાન બાઇક લઇ વાસડા નજીકથી પસાર થઇ રહ્યો હતો તે વખતે ત્યાથી પસાર થઈ રહેલ એક રીક્ષા સાથે ધડાકાભેર ટક્કર થતા રોડ પર પટકાતા ઘટના સ્થળે જ કરૂણ મોત થયુ હતુ.
જ્યારે બાઇક પાછળ બેઠેલ અન્ય એક ઇસમ અને રીક્ષામા સવાર મહિલા સહિતના લોકો બનાવમાં ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. બનાવની જાણ થતા પાલનપુર ૧૦૮ ના પાયલોટ સાદિક શેખ અને ઇ.એમ.ટી. ધવલ જેતપુરા તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી પંચનામું હાથ ધરવામાં આવ્યું હતુ.
— રમેશસિંહ ગોદડસિંહ ડાભી રહે. હાથીદરા (મૃતક)
— ઘનશ્યામ વિષ્ણુભાઈ ડાભી ઉ.૩૨ રહે.હાથીદરા (ઇજાગ્રસ્ત)
— વાલીબેન ભગવાનભાઇ ભગત ઉ.વ.૩૮ રહે.કોટડા, (પીરોજપુરા) (ઇજાગ્રસ્ત)
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા–પાલનપુર