ગરવીતાકાત,બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારથી બનેલી કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહયા છે. વાવ તાલુકાની રાણેસર-દૈયપમાં નીકળતી માઇનોર કેનાલમાં શુક્રવારે વહેલી સવારે મસમોટું ગાબડુ પડયુ છે.

ગાબડુ પડવાથી હજારો લીટર પાણી ખેતરમાં જવાથી ખેડુતના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયુ છે.વાવના રાણેસરી-દૈયપ નીકળતી નર્મદા કેનાલમાં શુક્રવારે વહેલી સવારે ગાબડું પડયુ છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તપાસ કરતા હજારો લીટર પાણી કરશનભાઇ પટેલ નામના ખેડુતના ખેતરમાં વહી જતા તેમના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયુ હોવાનું માનવામાં આવી રહયુ છે.

ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે, બનાસકાંઠામાં મોટાભાગની કેનાલોમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાથી વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, ખેડુતોએ વાવની રાણેસર-દૈયપ કેનાલમાં ગાબડુ પડવાથી તપાસ કરતા કેનાલમાં સિમેન્ટની જગ્યાએ રેતી વધુ વપરાયેલી જોવા મળી હતી.