હેડક્લાર્કના પેપરલીક મામલે રાજનીતી ગરમાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરના કમલમ ખાતે ધરણા પ્રદર્શન યોજ્યા હતા. અહીયા પોલીસ દ્વારા પાર્ટીના નેતાઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે આ હાથાપાઈ દરમ્યાન ભાજપના ગુંડાઓએ પણ તેમની સાથે મારપીટ કરી હતી. દરમ્યાન ભાજપ તરફથી આપના ઈસુદાન ઉપર મહિલાની છેડતીનો આરોપ મુકવામાં આવ્યો છે. જે પોલીસ ફરીયાદમાં જણાવાયુ છે કે ઈસુદાને નશાની હાલતમાં મહિલા સાથે ગેરવર્તણુક કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભાજપની મહિલા પ્રવક્તા શ્રદ્ધા રાજપુતે આ મામલે આરોપ મુક્યો કે AAPના નેતાઓ નશાની હાલતમાં હતા. AAP નેતા ઈસુદાને મહિલા સાથે ગેરવર્તણુક કરી હતી. ગાંધીનગર પોલીસ મથકે મહિલા નેતાની અરજી વિષે તપાસ હાથ ધરવામાં આવી છે. આથી ઈસુદાન ગઢવીને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પેપરલીક કાંડ મામલે વિરોધ કરવા કમલમ પર AAP નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી,પ્રવિણ રામ સહિતના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા.
હેડક્લાર્કની પરીક્ષામાં જે 10 આરોપી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે તે તમામ લોકો ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલ હોવાનુ ખુલ્યુ હતુ. આથી આમ આદમી પાર્ટીનો આરોપ હતો કે આ પેપર કૌભાંડમાં ભાજપના મોટા નેતાઓ સંડોવાયેલ હોવાથી તપાસ નિષ્પક્ષ થઈ રહી નથી. જેથી નિષ્પક્ષ તપાસની માંગ સાથે તેઓએ કમલમ ખાતે ધરણા યોજ્યા હતા. આ દરમ્યાન પોલીસે કાર્યકર્તાઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ગોપાલ ઈટાલીયા સહીતના કાર્યકર્તાઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં AAPએ આરોપ મુક્યો હતો કે પોલીસની સાથે સાથે ભાજપના ગુંડાઓ પણ તેમની સાથે મારપીટ કરી રહ્યા હતા. આ આરોપ બાદ ભાજપે ઈસુદાન ઉપર મહીલાઓ સાથે ગેરવર્તણુક કરી હોવાનો આક્ષેપ લગાવી પોલીસ સ્ટેશને અરજી આપી હતી. જેમાં શ્રદ્ધા રાજપુતે એમ પણ જણાવ્યુ હતુ કે, ઈસુદાન નશાની હાલતમાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમલમ ખાતે થયેલ મારપીટમાં તથા લાઠીચાર્જમાં AAPના 50થી વધુ કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. AAPના આ ધરણા બાદ ગાંધીનગરના કમલમની સુરક્ષા વધારી પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ મામલે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસીંહ યાદવે કહ્યુ હતુ કે, ભાજપે છેડછાડનો તદ્દન ખોટો આરોપ લગાવ્યો છે. મેડીકલ રીપોર્ટમાં હેરા-ફેરી કરવા માટે પ્રશાસન પર દબાણ બનાવવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈયે કે, ઈસુદાન પર નશાની હાલતમાં ભાજપની મહિલા કાર્યકર્તા સાથે ગેરવર્તણુક મામલામાં ટેસ્ટ માટે સીવીલમાં ખસેડાયા હતા. જ્યાં પત્રકારો કવરેજ કરવા ગયા તે દરમ્યાન Z 24 Kalak ના રીપોર્ટર સાથે પોલીસે ગેરવર્તણુક કરી હતી.