ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં આવેલા ચિત્રોડીપુરા રોડ પર 2 યુવકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જે મામલે 1 યુવકે અન્ય એક યુવકને પાઇપ વડે માર માર્યો હતો. જેમાં યુવકના હાથ-પગે ઈજાઓ થઈ હતી. તેમજ હુમલો કરનારા અન્ય યુવકે બીજા યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. મહેસાણા શહેરમાં ચિત્રોડીપુરા રોડ પર આવેલા સંજય નગરમાં પાસની વસાહતમાં રહેતા ધાર્મિક પરમારે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તે પોતાના માહોલ પાસે બેઠો હતો. એ દરમિયાન તેના ઘર નજીક રહેતો પરમાર કિરણ અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ ગઈકાલે સવારે ફરિયાદી યુવક રસ્તામાં જતો હતો. એ દરમિયાન કિરણ પરમાર પોતાની રિક્ષા લઇ આવી ફરિયાદી યુવકને કહ્યું હતું કે ” તને તો મારવો પડશે” એમ કહી બોલાચાલી કરી હતી. જેમાં આરોપી કિરણ પરમારે પોતાની રિક્ષામાં રહેલી પાઇપ લઇ ફરિયાદી યુવકને હાથ-પગે અને માથાના ભાગે મારી હતી. ત્યારબાદ ફરિયાદી યુવકે બુમાબુમ કરી મુકતા લોકો ભેગા થઈ જતાં કિરણ પરમાર ફરિયાદી યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે હાલમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં કિરણ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.