મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના આદેશ બાદ પાર્લરો અને મેડીકલ સ્ટોર્સ પર ચેકિંગ હાથ ધરતાં સીરપનો જથ્થો ઝડપાયો
નડીયાદમાં સીરપથી પાંચના મોત બાદ જાગેલા મહેસાણા જિલ્લા પોલીસતંત્ર એકશનમાં આવ્યું
મહેસાણા શહેર એ, બી ડિવિઝન, ઊંઝા, કડી, લાંઘણજ, સાંથલમાંથી વિવિધ કંપનીની 2633 સીરપની બોટલનો જથ્થો સીઝ કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 01 (Sohan Thakor) – નડીયાદના બિલોદરામાં નશીલી આર્યુવૈદિક સીરપ પીવાના કારણે પાંચ શખ્સોના મોત થયા હોવાનું બહાર આવતાં સમગ્ર ગુજરાતમાં નશાકારક સીરપનો ધંધો કરનાર તત્વો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં નશીલી સીરપનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે.
ગત રોજ મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ નડીયાદની આ ઘટના બહાર આવ્યાં બાદ પોલીસતંત્રને મહેસાણા શહેર સહિત જિલ્લામાં નશીલી સીરપનો કાળો કારોબાર કરતાં તત્વોને ઝડપી પાડવાના આદેશ આપ્યાં હતા. જેને પગલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એસ.નીનામા તથા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વમાં મહેસાણા એલસીબી અને એસઓજીની ટીમે મેડીકલ સ્ટોર્સ તેમજ પાનપાર્લર સહિતની જગ્યાઓ પર રેઇડો કરી તપાસ હાથ ધરી હતી. જેમાં મહેસાણા જિલ્લામાં 210 જગ્યાઓ પર પાર્લરોમાં તપાસ કરતાં 6 જગ્યાઓ પરથી નશીલી સીરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યોં હતો.
જેમાં મહેસાણા એલસીબીએ ઊંઝા પલીસ સ્ટેશન વિસ્તારમાંથી તથા એસઓજીની ટીમે મહેસાણા શહેર બી. ડિવીઝન વિસ્તારમાંથી તથા એ ડિવિઝન પોલી સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક દવાનો જથ્થો સીઝ કર્યો હતો. તો કડી પોલીસ સ્ટેશન તથા લાંઘણજ પોલીસ સ્ટેશન અને સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આર્યુવૈદિક સીરપોનું વેચાણ કરતાં પાર્લરોનું ચેકીંગ કરતાં અલગ અલગ કંપનીની બનાવટની આર્યુવૈદિક સીરપનો કુલ 2633 બોટલ જેની કિંમત 3,92,188નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.