સુરતની એક સ્કુલમાં 12 વર્ષીય કિશોરી સાથે છેડતી કરતો શિક્ષક ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

સુરતના કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરીની છેલ્લા એક મહિનાથી ચાલુ ક્લાસે છેડતી કરતા વિજ્ઞાન શિક્ષકની કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં અશ્વનીકુમાર રોડ ખાતે રહેતા પરિવારની 12 વર્ષીય પુત્રી કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરે છે. એક મહિના અગાઉ સ્કૂલેથી બપોરે ઘરે પરત ફરેલી નેહાએ તેની દાદીને કહ્યું હતું કે તેની સ્કૂલમાં વિજ્ઞાન ભણાવતા સર નિરવ વૈષ્ણવ ચાલુ ક્લાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે હાથ ફેરવે છે. દાદીને લાગ્યું હતું કે નેહા સ્કૂલે નહીં જવાના બહાના કાઢે છે. આથી તેમણે વાત ધ્યાને લીધી નહોતી. જાેકે, ત્યાર બાદ પણ નેહા તેના સરની ફરિયાદ કરતી હોય દાદીએ બીજા દિવસે સ્કૂલમાં આવી મેડમને વાત કરવા કહ્યું હતું. પણ તે સમયે નેહાએ મેડમને વાત નહીં કરવા અને હવે પછી સર આવું કરશે તો તમને કહીશ તેમ કહ્યું હતું.

આ પણ વાંચો – દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે !

બે દિવસ બાદ દાદી તેમના દિયરના શ્રાદ્ધ નિમિત્તે તેમના વતન ગયા હતા. દરમિયાન, ગત રોજ નેહાના પિતાએ તેમને ફોન કરી જાણ કરી હતી કે, નેહા સ્કૂલે જવાની ના પાડતી હતી. તેમણે આ વિશે કારણ પૂછ્યુ તો સર છેડતી કરે છે તેવી વાત કરે છે અને તેની જાણ દાદીને કરી છે તેમ પણ કહ્યુ હતું. આથી દાદીએ સુરત આવી નેહાને પૂછ્યું તો, નિરવ સરે ફરી ગંદી હરકત કરી હતી તેમ કહ્યું હતું.

આ વાતથી ગુસ્સે થયેલા દાદી, નેહા અને તેના પિતા સાથે સ્કૂલે પહોંચ્યા હતા. તો બીજ તરફ નીરવ વૈષ્ણવ સર સ્કૂલે આવ્યા જ નહોતા. પ્રિન્સીપાલે પણ સરનો બચાવ કર્યો હતો કે, તેને અમે કાઢી મુક્યો છે. આથી દાદીએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષક નિરવ વૈષ્ણવની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.