લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં વિવિધ સરકારી યોજના માટે એક જ ‘ફેમિલી કાર્ડ
આરોગ્ય, આવાસ, મફત અનાજ સહિતની અનેકવિધ યોજનાઓ માટે પરિવારદીઠ એક કાર્ડ આપવાનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ તુર્ત લોન્ચ કરાશે: ગેરરિતી ડામવાનો ઉદેશ
ગરવી તાકાત, ગાંધીનગર તા.8 – આધુનિક ટેકનોલોજીના યુગમાં કેન્દ્ર તથા રાજય સરકારો વિવિધ સામાજીક-કલ્યાણકારી યોજનાઓમાં થતી ગેરરીતિના દરવાજા બંધ કરવાની સાથોસાથ ડીજીટલ સીસ્ટમ લાગુ કરી જ રહી છે. ત્યારે હવે સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ માટે લાભાર્થીને જ એક કાર્ડ આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એક જ કાર્ડ મારફત લોકો સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ શકે અને જુદા જુદા કાર્ડ સાચવવાની ઝંઝટમાંથી છુટકારો આપવાનો ઉદેશ છે.
રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રાલય દ્વારા પરિવાર ઓળખપત્ર (ફેમીલી આઈડી કાર્ડ)નામના આ પ્રોજેકટને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પુરવઠા વિભાગનાં મુખ્ય સચીવ આર.સી.મીનાએ પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ આધૂનિક પહેલ અંતર્ગત આરોગ્ય, આવાસ, મફત અનાજ, સહીતની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓમાં લોકો-લાભાર્થીઓ એક જ કાર્ડનો ઉપયોગ કરીને તેનો લાભ લઈ શકશે.ડુપ્લીકેટ કાર્ડ તથા ગેરરીતી જેવા દુષણો દુર કરીને જરૂરીયાત લાભાર્થીઓને જ યોજનાઓનાં લાભ મળે તેવો આશં રહ્યો છે.
રાજય સરકારના સુત્રોએ કહ્યું કે નવા ફેમીલી કાર્ડની સીસ્ટમથી પરિવારને એક જ કાર્ડ મળશે. પરિવારની એક વ્યકિતએ આવાસ યોજનાનો લાભ લઈ લીધો હોય અને બીજી વખત બીજા સદસ્યના નામે પ્રયાસ કરશે તો તૂર્ત જ ખબર પડી જશે અને આવા પ્રકારની ગેરરીતીઓ અટકી શકશે. સુત્રોના કહેવા પ્રમાણે લોકસભાની ચૂંટણી ખત્મ થયા બાદ તૂર્ત જ ફેમીલી કાર્ડ પ્રોજેકટ લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજયભરનાં જરૂરીયાતમંદોને જ વિવિધ સરકારી, કલ્યાણકારી યોજનાઓના લાભ મળે અને વિવિધ ગેરરીતી આચરીને કરાતી છટકબારીઓ રોકવાનો ઉદેશ છે.
ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી જાહેર વિતરણ વ્યવસ્થા મારફત મફત અનાજથી માંડીને વિવિધ સ્કોલરશીપ ગરીબ વર્ગોને મુખ્યમંત્રી યોજના હેઠલ સસ્તા આવાસ સહીતની યોજનાઓ ચલાવવામાં આવે છે. લોકોને આવક મુજબ અલગ-અલગ કેટેગરીનાં કાર્ડ આપવામાં આવતા હોય છે. ત્યારે આ કાર્ડને સેન્ટલાઈઝ કરીને આખા પરિવાર દીઠ એક જ કાર્ડ આપવાનો આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ છે. લાંબી પ્રક્રિયા આયોજન બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને હવે તે લાગુ કરવાની તૈયારી અંતિમ તબકકામાં છે.