ગરવી તાકાત પાટણ : પાટણ નગર પાલિકાની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં આગામી ચોમાસાની સીઝનમાં ભારે વરસાદમાં રેસ્ક્યુ ટીમો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદમાં લોકોનું રેસ્કયુ કરવા સહિત તેઓને તમામ મદદ પુરી પાડવા માટે તમામ બચાવ સાધન-સામગ્રી રેડી ટુ યુઝ પોઝિશનમાં રાખવા તથા તમામ તરવૈયાઓને તાલીમ આપી ટીમો તૈયાર રાખવા અનેસ્ટેન્ડ ટુ રાખવા માટે પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસર પંકજ બારોટે સૂચના આપી હતી.
પાટણ પાલિકાનાં ફાયર બ્રિગેડ વિભાગ સહિત સેનેટરી અને વોર્ડ ઇન્સપેક્ટરોને સાથે પ્રિમોન્સુન પ્લાન અંગે ચર્ચા કરવા તથા નગરપાલિકાનાં ફાયર બ્રિગેડ સહિતનાં અન્ય વિભાગો વચ્ચે સંકલન રાખવા માટેની સમિક્ષા બેઠક મળી હતી.
આ બેઠક અંગે ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે, પાલિકાના વિભાગો સાથે પ્રિમોન્સુન પ્લાનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ખાસ કરીને વરસાદી પાણીનો પ્રવાહ વહેવડાવતી કેનાલો ખાસ કરીને આનંદ સરોવર અને અગાશિયાવીરની કેનાલોની પ્રવહન શક્તિ યોગ્ય કરવા જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા ખાતેનો ફાયર બ્રિગેડ વિભાગ એ પાટણ જિલ્લાનો નોડલ વિભાગ પણ હોવાથી તેને પાટણ શહેર ઉપરાંત પાટણ જિલ્લામાં અન્ય વિસ્તારોની પણ જવાબદારી આપેલી છે. તેથી આ વિભાગનાં અધિકારી તથા કર્મચારીઓએ યાંત્રિક અને સાદી હોડી, હેમર સહિતનાં રેસ્ક્યુના સાધનો સરકારમાંથી મેળવવાની તજવીજ કરવા જણાવાયું છે.