— ડગામના કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય હવે ”કેસરીયા” ના અહેવાલ ભારે ચર્ચામાં છે :
— ભાજપમાં જોડાયા પહેલા જ પીએમ મોદી સાથે મણિભાઈ વાઘેલાએ દિલ્હીમાં મુલાકાત કરી લીધી :
ગરવી તાકાત અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે અનેક પક્ષપલ્ટું નેતાઓ હવે સક્રિય બન્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાના અહેવાલે રણનીતિમાં ગરમાવો લાવી દીધો છે. મણિભાઈ વાઘેલા વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા વાઘેલાએ આ સીટ પરથી રાજીનામું આપ્યું હતું.
— મણિભાઈ વાઘેલા કેમ કોંગ્રેસમાંથી આપ્યુ હતું રાજીનામુ?:
વડગામના કોંગ્રેસી પૂર્વ ધારાસભ્ય હવે ”કેસરીયા” ના અહેવાલ ભારે ચર્ચામાં છે. ભાજપમાં જોડાયા પહેલા જ પીએમ મોદી સાથે મણિભાઈ વાઘેલાએ દિલ્હીમાં મુલાકાત કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી મણિભાઈ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમની બેઠક જીગ્નેશ મેવાણી માટે ખાલી કરાવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં જિગ્નેશ મેવાણીને અપક્ષ ચૂંટણી લડાવી હતી. આ વર્ષે પણ જિગ્નેશ મેવાણી ત્યાંથી ચૂંટણી લડે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ભાજપે કોંગ્રેસને સત્તામાં આવવાના સપનાને તોડવા માટે અત્યારથી દરેક પ્લાન ઘડી નાંખ્યા છે. ત્યારે કોંગ્રેસને ઝટકો આપવા માટે વાઘેલા ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે. મણિલાલ વાઘેલા 35 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. વર્ષ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવીને વાઘેલા જીત્યા હતા. વર્ષ 2017ની રાજ્યસભા ચૂંટણીમાં વાઘેલા અહમદ પટેલને વફાદાર રહ્યા હતા. પરંતુ જિગ્નેશ મેવાણીના કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
વડગામના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા આ મહિનાના અંત સુધીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદીના બનાસકાંઠા પ્રવાસ દરમિયાન કે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના પ્રવાસ દરમિયાન જોડાય તેવી શક્યતા છે. મણિભાઈ વાઘેલાએ ભાજપમાં જોડાવાની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી.
નોંધનીય છે કે, બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તે તસવીર પણ સામે આવી છે. જો કે સત્તાવાર હજી તેઓ ભાજપમાં જોડાયા નથી પરંતુ તે અગાઉ તેઓ પીએમ મોદીને મળ્યા છે.