પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલનપુરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં
પાલનપુર તાલુકાના ગઢ ગામે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં પાટણ અને પાલનપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહી શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
બનાસકાંઠામાં હજુસુધી પણ પાટીદાર આંદોલન સમયે પાટીદાર સમાજના શહીદ થયેલા જવાનોના પરિવારોને રડાવી નાંખે છે. 25 મી ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન સમયે ગુજરાતના 14 યુવાઓ મૃત્યુ પામ્યા હતા. અનામત આંદોલન સમયે 26 ઓગસ્ટ 2015ના રોજ પાલનપુરના વેડંચા ગામના મહેશ ફોસી અને ગઢના કનુભાઈ પટેલનું પણ પોલીસ ગોળીબારમાં કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારથી દર વર્ષે 26 મી ઓગસ્ટે શ્રધ્ધાંજલી કાર્યક્રમ આયોજિત કરાયો છે. ત્યારે ગત રોજ 26 ઓગસ્ટે સાંજના સુમારે એક શામ શહીદો કે નામ અંતર્ગત શ્રધ્ધાંજલી કાર્યક્રમ સરદાર પટેલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં શહીદ યુવાનોના પરિવાર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલનપુરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલી આપી હતી અને પાટીદાર સમાજના શહીદ યુવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ ગઢ ખાતે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.