આજે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક અને ઉત્તરગુજરાતની શ્વેત ક્રાંતિના જનક માનસિંહભાઇ ચૌધરીના 102માં જન્મદિવસની યાદમાં મહેસાણા દૂધસાગર ડેરી સાથે ધારુહેડા અને માનેસરની સાથે – સાથે દૂધસાગર સાથે જોડાયેલા તમામ એકમો ઉપર એક મહાત્મા માનસિંહભાઇનો આભારવિષયને અનુલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહેસાણા દૂધસાગર ડેરીના ખુલ્લા પ્રાંગણમાં આજે વહેલી સવારે માનસિંહભાઇના પૂર્ણ કદના સ્ટેચ્યુના સાનિધ્યમાં સંસ્થાના ચેરમેન અશોકભાઇ ચૌધરી તથા નિયામક મંડળના સભ્ય સરદારભાઇ ચૌધરી, દિલીપભાઇ ચૌધરી તથા રાજુભાઇ ચૌધરી (વકીલ) સાથે દૂધસાગર ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓની વિશાળ હાજરીમાં માનસિંહભાઇના જીવન ઝરમરના સમૃદ્ધ સંભારણા વચ્ચે સૂતરની આંટી તથા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી .
આ તબક્કે મિડીયા સાથે વાત કરતાં અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, માનસિંહભાઇએ ઉત્તરગુજરાતના મહેસાણા – પાટણ અને ગાંધીનગર જિલ્લાના 6 લાખ પશુપાલકોના અંતરઆત્મામાં ધબકતું એક એવું મહાન વ્યક્તિત્વ છે. જે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી પર છે ત્યાં સુધી અમર રહેશે , માનસિંહભાઇના સપનાંની ડેરી એટલે “આપણી ડેરી સૌની ડેરી” આપણે 6 લાખ પશુપાલકોના ઘરોમાં નિત નવું અજવાળું પાથરવા સતત પ્રયત્નશીલ રહીએ એજ આ મહાન આત્માને સાચી શ્રદ્ધાંજલિ ગણાય. હું આજે પણ માનસિંહભાઇના સ્ટેચ્યુના સાનિધ્યમાં પશુપાલકોને વચન આપું છું કે, એમની આ તપોભૂમિ એવી દૂધસાગરને નવી ભવ્યતા અપાવીશું જેનો અંતર આત્મા કેવળ પશુપાલક હશે.