જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સુનની પુર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ
આગામી ચોમાસુ-૨૦૨૪ની પૂર્વ તૈયારીઓ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપી વિગતવાર સૂચનાઓ આપતા જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન
ચોમાસાને ધ્યાને રાખી દરેક તાલુકા માટે તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા
મહેસાણા માહિતી નિયામક – આજરોજ મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ. નાગરાજનનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સુનની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓ પાસેથી આગામી મોનસૂન-૨૦૨૪ની પૂર્વ તૈયારીઓ સંદર્ભે વિગતો મેળવતા જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રીએ ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગતની તમામ વ્યવસ્થાઓ અને તંત્ર ચોકસાઈપૂર્વક ગોઠવાઈ જાય તે બાબત પર ભાર મૂકતા ભારે પવન-વરસાદની સ્થિતિમાં ભયજનક બની શકે તેવા હોર્ડિંગ્સ અને જર્જરિત મકાનો-સ્ટ્રકચરનો સર્વે કરી જરૂર જણાયે ઉતારી લેવા સહિતની કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
તાલુકા સ્તરે તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સત્વરે તૈયાર કરી આનુસંગિક તૈયારીઓ પૂર્ણ કરવા પણ તેમણે સૂચના આપી હતી. ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં નિયમિત રીતે પાણી ભરાવવાનાં પ્રશ્નો સર્જાય છે તેવા સ્થળો-વિસ્તારોનો સર્વે કરી રેલ્વે, માર્ગ-મકાન સહિતનાં વિભાગોનાં સંકલનથી વરસાદી પાણીના નિકાલ માટે નાળા, રોડ-રસ્તા, પુલ, ડેમ, રેલવે અંડરબ્રિજ જેવા વગેરે સ્થળોએ સમારકામ સહિતનું આગોતરું આયોજન હાથ ધરવા તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત, ચોમાસાને ધ્યાને રાખી CHC, PHC તેમજ અન્ય સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર તેમજ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રાખવો તેમજ જરૂરિયાત મુજબની દવાઓનો પુરવઠો ઉપલબ્ધ રાખવા સહિતની આરોગ્ય સંબંધિત વ્યવસ્થાઓ સુદ્ઢ કરવા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને જણાવ્યું હતું. ભારે વરસાદના સંજોગોમાં ગ્રામ્ય કક્ષાએથી લોકોને સ્થળાંતર કરવાના સંજોગોમાં એસટી બસ વગેરે સેવા તાત્કાલિક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પણ જિલ્લા કલેક્ટરશ્રીએ પૂરૂ પાડ્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિરેન પટેલ, પ્રાંત અધિકારી સર્વેશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.