લાંચના નાણાં એક સાથે આપવામાં અસમર્થ લોકોને 4થી10 હપ્તા કરી દેતા ભ્રષ્ટાચારી અધિકારીઓ
ચાલુ માસમાં જ હપ્તા પદ્ધતિ હેઠળ લાંચના 10 કેસો ખુલ્લા પડયાનો ખુલાસો
ગરવી તાકાત, ગાંધીનગર, તા.8 – ભ્રષ્ટાચારના ભોરિંગ સામે લોકોમાં વ્યાપક નારાજગી-કચવાટ પ્રવર્તતો હોવા છતાં તેના પર અંકુશ મુકવાના કોઈ નકકર પ્રયાસો થતા નથી અને ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ જ બની ગયો હોવાના ચિત્ર વચ્ચે હવે નવો ચોંકાવનારા ટ્રેન્ડનો ઘટ્ટસ્ફોટ થયો છે. બેંકો કે નાણાં સંસ્થાઓની લોનમાં હપ્તા પદ્ધતિ હોય તેવી પદ્ધતિ હવે મોટી લાંચ-ભ્રષ્ટાચારમાં શરૂ થઈ છે. ભ્રષ્ટાચારી અધિકારીઓ લાંચમાં માસિક હપ્તા કરી દેવા લાગ્યા છે. ગુજરાતમાં જ આવા કેટલાંક ચોંકાવનારા કિસ્સા ચર્ચાસ્પદ બન્યા છે. ગત માર્ચમાં બોગસ બીલીંગ કૌભાંડમાં એસજીએસટી અધિકારીએ 21 લાખની લાંચ માંગી હતી અને તે દર મહિને બે લાખ અને છેલ્લા મહિને એક લાખના ધોરણે ચુકવવાનું નકકી થયુ હતું. 21 લાખના 10 હપ્તા કરી દેવામાં આવ્યા હતા.
સુરતમાં ગત 4થી એપ્રિલે નાયબ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યએ ગ્રામજનના ખેતરની જમીન સમથળ કરી દેવા માટે 85000ની લાંચ માંગી હતી પરંતુ ખેડુત આર્થિક રીતે સમૃદ્ધ ન હતો. એક સાથે નાણાં આપી શકે તેમ ન હોવાથી પ્રથમ તબકકે 35000 તથા બાકીના નાણાં ત્રણ હપ્તામાં આપવાનું નકકી થયુ હતું. સાબરકાંઠામાં તાજેતરમાં જ 4 લાખની લાંચ માંગનારા બે પોલીસ જવાનો ફરાર થઈ ગયા હતા. આ કિસ્સામાં પણ આ લાંચનો પ્રથમ હપ્તો જ હતો. લાંચની કુલ રકમ 10 લાખની હતી.
આવા જ અન્ય એક કેસમાં સાઈબર ક્રાઈમ પોલીસે 10 લાખની લાંચમાં ચાર હપ્તા કરી દીધા હતા. રાજયના લાંચ રૂશ્ર્વત વિરોધી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હપ્તા પદ્ધતિનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને ચાલુ વર્ષમાં જ આવા 10 કેસ માલુમ પડયા છે. મકાન-વાહન ખરીદીમાં એક સાથે પેમેન્ટ કરવામાં વ્યક્તિ અસમર્થ હોય ત્યારે લોન લઈને હાથમાં નાણા ચુકવે છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓએ પણ હવે આવી નીતિ અપનાવી છે. ગુના આચરનાર વ્યક્તિ પાસે પોલીસ લાંચ લેતી હોય છે. ધરપકડ દરમ્યાન માર નહીં મારવા, હાજર થવા સહિતની બાબતોમાં લાંચ મંગાતી હોય છે. ગુનાની ગંભીરતા અને તેમાં સામેલ વ્યક્તિની સમૃદ્ધિના આધારે લાંચ નકકી થાય છે. માત્ર પોલીસ જ નહીં, મહેસુલ-ટેકસ સહિતના સરકારી વિભાગોમાં આ પ્રથા અમલી બની ગઈ હોવાનું જણાય રહ્યું છે.
ભ્રષ્ટાચારી અધિકારીઓ હાથમાં આવેલા ‘મુર્ગા’નો જવા દેવાના અને લાંચની તક ગુમાવવા માંગતા ન હોવાથી હપ્તા કરી દેતા હોય છે. ગુજરાત લાંચ રૂશ્ર્વત વિરોધી વિભાગના શેમશેરસિંઘે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિભાગ દ્વારા લાંચ કેસમાં અધિકારીઓને પકડવામાં આવે છે તેમાં પણ ફરિયાદોએ અગાઉ થોડાઘણા નાણાં ચુકવી જ દીધા હોય છે. ગત 26 એપ્રિલે નોંધાયેલા કેસમાં સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટરે 50000ની લાંચના બદલામાં લેપટોપ-કોમ્પ્યુટર મેળવ્યુ હતું તે પછી કબ્જે લેવામાં આવ્યા હતા તેણે 10-10 હજારના પાંચ હપ્તા કરી દીધા હતા. ચાલુ માસના પ્રારંભે પાણી પુરવઠા બોર્ડના કલાસ-ટુ અધિકારીએ કોન્ટ્રાકટર પાસે 1.20 લાખની લાંચ માંગી હતી. બીલના નાણાં છુટ્ટા કરવા માટેની આ લાંચની રકમમાં 30-30 હજારના ચાર હપ્તા કરી દીધા હતા.