ગરવીતાકાત,અરવલ્લી: ગાયત્રી પરિવાર દ્વારા  વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ હેતુ અનેકવિધ યોજનાઓ  ચાલી રહી છે. ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા મળેલ જાણકારી અનુસાર “આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી” આંદોલન  અંતર્ગત ગર્ભધારણ થયેલ બહેનોને ઉત્તમ સંતાન માટે  વિશેષ માર્ગદર્શન માટે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે દર ગુરુવારે  નિ:શૂલ્ક ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે. ત્યાર બાદ આ ગર્ભધારણ કરેલ બહેનો તેમજ તેમના પરિવાર સાથે  સતત સંપર્કમાં રહી તંદુરસ્ત તેમજ સંસ્કારવાન બાળક માટે સતત માર્ગદર્શન આપવાના પ્રયત્ન કરવામાં આવે છે.

આ ઉપરાંત એક વિશેષ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નવદંપતિ કે જેઓ ભાવી પેઢી રુપે સંતાન ઉત્સુક છે તેઓને ઉત્તમ સંસ્કારવાન સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ ધારણ થતાં પહેલાં જ આ વિષયમાં નવદંપતિઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે “ગર્ભાધાન સંસ્કાર” રુપે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. શુભારંભમાં પાંચ નવદંપતિને ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે  યજ્ઞશાળામાં આ સંસ્કાર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. આ આંદોલનને વધુ વેગવાન બનાવવા જનજાગૃતિ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવનાર છે.

આઓ ઘડીએ સંસ્કારવાન પેઢી” આંદોલન વધુ વેગવાન બનાવવા માટે ગાયત્રી તીર્થ, શાંતિકુંજ, હરિદ્વાર ખાતે તા.૯ અને ૧૦ ઓગસ્ટ દરમિયાન વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોડાસાથી અમિતાબેન પ્રજાપતિ , પ્રિતીબેન ભટ્ટ અને વૈશાલીબેન ત્રિવેદી આ ત્રણ યુવા બહેનો હરિદ્વાર ખાતે શિબિરમાં ઉપસ્થિત રહેલ છે. જે આ વિષયમાં વિશેષ જાણકારી મેળવી  અન્ય બહેનોને પ્રશિક્ષણ આપી મોડાસા તેમજ આસપાસના ગામોમાં આ અભિયાન વધુ વેગવાન બનાવશે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી