— કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત 25 ટકા સહાય સહિત 3.24 કરોડ મંજૂર કરાયાં :
— ત્રણ માળનું લિફ્ટ સાથે બિલ્ડિંગ, ગોડાઉન, ખેડૂત કેન્ટીન વગેરે સુવિધા કરાશે :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા માર્કેટયાર્ડમાં 6દાયકા જૂનું એપીએમસી ભવન સાવ જર્જરિત બની ગયું છે. ત્યારે નવું મકાન બનાવવાની જરૂરિયાત ઊભી થતાં સરકારની કિસાન કલ્પવૃક્ષ યોજનામાં 25 ટકા સહાય મંજૂર થતાં ખેડૂત ટ્રેનિંગ સેન્ટર સાથે રૂ.13 કરોડના ખર્ચે નવું એપીએમસી ભવન નિર્માણ કરાશે. જેમાં ખેડૂતો અને વેપારીઓ માટે તમામ પ્રકારની જરૂરી સુવિધાઓ ઊભી કરાશે.
મહેસાણા માર્કેટયાર્ડમાં નવા ચૂંટાયેલા ચેરમેન રામભાઇ પટેલ, વાઇસ ચેરમેન દિપકભાઇ પટેલ સહિત ટીમના નેતૃત્વમાં એપીએમસી ડેવલપ કરવા આયોજન આગળ વધ્યું છે. માર્કેટયાર્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સહાય મંજૂર કરાઇ છે. જેમાં માર્કેટયાર્ડ દ્વારા આરસીસી રોડ, શોપ્સ કમ ગોડાઉન માટે અંદાજે રૂ.3.10 કરોડનો ખર્ચે કરાનાર છે. જેમાં સરકારમાંથી 25 ટકા લેખે રૂ.77 લાખ સહાય મંજૂર કરાઇ છે.
જ્યારે ત્રણ માળની લિફ્ટની સુવિધા સાથેનું ઓફિસ બિલ્ડિંગ, ફાર્મર ટ્રેનિંગ સેન્ટર, ખેડૂત કેન્ટીન, વે-બ્રિજ રૂમ, ટોયલેટ બ્લોક, ફાયરસેફ્ટી, સોલાર સિસ્ટમ સહિતની સુવિધાઓ અંદાજે રૂ.9.90 કરોડના ખર્ચે નિર્માણ કરાનાર છે. જેમાં સરકારમાંથી 25 ટકા લેખે રૂ.2.47 કરોડની સહાય મંજૂર કરાઇ છે. ત્યારે આગામી દિવસોમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને વધુ સુવિધાઓ મળશે