— ભાજપના દિગ્ગજો વિપુલ ચૌધરી ના સમર્થનમાં આવ્યા, ચૂંટણીમાં જામશે ખરા-ખરીનો જંગ:
— સભામાં વિપુલ ચૌધરી ની સાકર તુલા કરવામાં આવી:
— ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેન ચૌધરીએ પણ સમાજ વિરોધીઓ ને આડે હાથ લીધા:
— ભારતીય જનતા પાર્ટીના જ કોઈ મોટા નેતા સમર્થનમાં હોય તેવી ચર્ચા:
ગરવી તાકાત મહેસાણા : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ અત્યારથી જ જીતવા માટે અમુક સમાજના લોકોએ આગોતરા આયોજન કરી રાખ્યા છે. ઉત્તર ગુજરાતમાં સહકારી આગેવાન અને રાજ્યના પૂર્વ ગ્રહ મંત્રી વિપુલ ચૌધરી અર્બુદા સેનાના નેજા હેઠળ સમાજ સંગઠનની બેઠકો યોજી રહ્યા છે. વિપુલ ચૌધરી જે રીતે આક્રમક તેવર થી સામે આવ્યા છે તે જોતા આગામી વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. બીજી તરફ મહેસાણાના સહકારી આગેવાન અને રાજ્ય ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેન ચૌધરી પણ તેમના સમર્થનમાં આવી જતા ભાજપના જ કોઈ મોટા નેતા સમર્થન કરી રહ્યા હોય તેવી ચર્ચા જિલ્લા ભરમાં ઉઠી છે
ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેનાના નેજા હેઠળ સહકારી આગેવાન તેમજ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી સભાઓ ગજવી રહ્યા છે. એટલું જ નહીં પોતાના સમાજના સથવારે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં વિરોધીઓને હેઠા પાડવાનો વ્યુહ રચી રહ્યા છે. બીજી તરફ આજે મહેસાણાના ગોકળગઢ ગામમાં અર્બુદા સેનાના નેજા હેઠળ સભા યોજવામાં આવી હતી. વિપુલ ચૌધરી ની સાકર તુલા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. એ મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લાના દિગ્ગજ નેતા ગણાતા સહકારી આગેવાન અને ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેન ચૌધરી પણ તેમની સાથે મેદાનમાં ઉતરતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
— ગોકળગઢમાં યોજાયેલી સભામાં ધીરેન ચૌધરીએ જણાવ્યું હતુ કે:
સમાજનો વ્યક્તિ ઉચ્ચ કક્ષાએ બેઠો હોય ત્યારે તે સમાજની ચિંતા કરતો હોય છે. ઉચ્ચ કક્ષાએ બેઠા પછી તે સમાજને મદદરૂપ બને છે તે માટે આપણે તેને સમર્થન આપવું જોઈએ.તેમણે ઉમેર્યું હતું કે તમે ઉચ્ચ કક્ષાએ બેઠા પછી સમાજ માટે કંઈ કરી ન શકતા હો અને સક્ષમ ન હોતો પછી તમને કોઈ વ્યક્તિ કે સમાજનો બહિષ્કાર કરવાનો કોઈ અધિકાર નથી તેવા આકરા પ્રહારો કર્યા હતા. જે લોકો ગોળ વાદની વાત કરે છે, તે લોકોએ સમજી લેવું જોઈએ કે ધીરેનભાઈ ચૌધરી જ્યારે ખેતી બેંકની ચૂંટણી લડ્યા ત્યારે ગોળ વાદ નહોતો? આવો વેધક પ્રશ્ન કરતાં સમાજના લોકોએ તાળીઓ પાડીને તેને સમર્થન આપ્યું હતું. તેમણે પોતાની પેનલમાં લીધેલા સમાજનાં બે લોકોના નામ લીધા વગર ડેરીના દબાણ હેઠળ જે કર્યું તે શું હતું? તેને શું કર્યું કહેવાય?
–વિસનગરના ધારાસભ્યએ વચન આપ્યું હતું,પરંતુ ભંગ કર્યો સી આર પાટીલનો ધીરુભાઈ ચૌધરીએ આભાર માન્યો:
વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ધીરેનભાઈ ને કહ્યું હતું કે હું ક્યાંય તમારી ખેતી બેંકની ચૂંટણીમાં નહીં પડું. પરંતુ, પડદા પાછળ રહી ખેલ કર્યો હતો. પ્રદેશ ભાજપના મંત્રી પંકજભાઈ ચૌધરીએ ધીરેન ચૌધરી અને ઋષિકેશ પટેલ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ચાર ચાર પ્રતિનિધિ માટે બંને સહમત થયા હતા. અને તમામ આઠ મત આપવાની જવાબદારી લીધી હતી. પરંતુ જ્યારે ચૂંટણી આવી અને સામે ફોર્મ ભરાયા ત્યારે ઋષિકેશ ભાઈએ કહ્યું કે પાર્ટીનો મેન્ડેડ હશે તેમ હું કરીશ. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મને મેન્ડેડ પણ આપ્યો. તેનું કારણ એક જ હતું કે મારા સમર્થકોએ કહ્યું હતું કે તેઓ પાર્ટી માટે ઘસાયા છે પાર્ટી માટે કામ કર્યું છે સમાજ માટે પણ કામ કરી રહ્યા છે એટલે મને મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પરંતુ ઋષિકેશ ભાઈ મદદ ના કરી. અને એનું કારણ એટલું જ હતું કે હું ચૌધરીનો દીકરો હતો એટલે જ તેમ કહી તેમણે જાહેર મંચ ઉપરથી ઋષિકેશભાઇ પાસેથી જવાબ માગ્યો હતો અને કહ્યું હતું કે તમારે આ માટેનો જવાબ આપવો પડશે. કે તમે તમારા મત વિસ્તાર વિસનગર તાલુકાના દીકરાને શા માટે મદદરૂપ થઈ શક્યા ન હતા?
–સભામાં ભાજપના અમુક નેતા સામે આક્રોશ વ્યક્ત કરાયો:
અર્બુદા સેનાના નેજા હેઠળ યોજાયેલી સભામાં સમાજના લોકોને અગ્રેસર રાખવા માટે હાકલ કરવામાં આવી હતી. તેમજ કહેવામાં આવ્યું હતું કે સમાજનો દીકરો તમામ ક્ષેત્રે આગળ પડતો હશે તો સમાજ માટે સર્વાંગી વિકાસ કરવા માટે તત્પર રહેશે. બીજી તરફ ભાજપના અમુક નેતાઓએ જેમણે ચૌધરી સમાજના લોકોને સાઇડ અપ કર્યા છે તેમની સામે આક્રોશ વ્યક્ત કરવામાં પણ આવ્યો હતો.