ગરવીતાકાત,અરવલ્લી(તારીખ:૨૬)

અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, મોડાસા ખાતે વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને તેના આયોજન અંગેની  ચર્ચા કરવામાં આવી હતી.

નોડલ અધિકારીઓને સંબોધતા ચૂંટણી અધિકારી શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, જિલ્લામાં મુક્ત, ન્યાયી અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે. આ માટે પરસ્પર તમામને એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણીતંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી. આ ઉપરાંત ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી.

આ બેઠક જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ, ફ્લાઇંગ સ્કવોર્ડ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઇંગ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમસીએમસી, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ એટલે કે મતદાર જાગૃતિ અભિયાન અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઇ હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ, અધિક  કલેકટર શ્રી આર.જે. વલવી નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રિતેશ દવે સહિત અન્ય નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી