મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ઓનલાઈન ટ્રાન્સેક્સનનો વ્યાપ વધારવા અને આ ગ્રાહકોને રાહત આપવા આરટીજીએસ અને એનઈએફટી પર ચાર્જ સંપુર્ણ ખત્મ કરી દીધો છે. આરબીઆઈએ કહ્યું કે ડિજીટલ લેવડદેવડને વેગ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તે ઉપરાંત એટીએમ લેવડદેવડ પર લગાવાયેલા ચાર્જીસની સમીક્ષા માટે પણ એક સમિતિ બનાવાઈ છે.

રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ) અને નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (એનઈએફટી) દ્વાદા લેવડદેવડ પર આરબીઆઈ બેન્કો પાસેથી ચાર્જ લેતી હતી. બેન્ક આ ખર્ચને ગ્રાહકો પાસેથી લઈને પુરો કરતી હતી. આરબીઆઈએ તેને હવે સંપુર્ણ ખત્મ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ આ ફાયદો ગ્રાહકો સુધી બેન્કોએ પહોંચાડવો પડશે. તે સંબંધમાં એક અઠવાડિયામાં બેન્કોને નિર્દેશ આપી દેવામાં આવશે.

આરટીજીએસનો મોટા ભાગે ઉપયોગ મોટી રકમના ટ્રાન્સફર માટે લોકો કરતાં હોય છે તે અંતર્ગત ઓછામાં ઓછા ૨ લાખ રૂપિયા મોકલી શકાય છે અને મહત્તમ નાણાની કોઈ સીમા નથી. આ ઉપરાંત નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) તેમાં ટ્રાન્સફર માટે ઓછામાં ઓછી રકમ માટે કોઈ સીમા નથી.

આરબીઆઈએ એવું પણ કહ્યું કે, એટીએમનો ઉપયોગ વધી રહ્યો છે. એટીએમ ચાર્જીસ અને ફીમાં બદલાવની માગ સતત આવી રહી છે. તેથી એક સમિતિ બનાવવાનો નિર્ણય કરાયો છે, જે તમામ હિતધારકોથી વિચાર ચર્ચા કરીને એટીએમ ચાર્જની દરેક બાબતો પર વિચાર કરશે. આ સમિતિ પહેલી બેઠક બે મહિનામાં જ કરી પોતાના મુદ્દાઓ રજુ કરશે.

Contribute Your Support by Sharing this News: