સામેત્રા કરશનપુરા રોડ પર બાવળની ઝાડીઓમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા નીકળેલા શખ્ને એસઓજીની ટીમે ઝડપી પાડ્યોં
મહેસાણાના લશ્કરી કુવા ખાતે રહેતો સિંધી ડફેર શખ્સ દેશી બંદૂક લઇ શિકાર કરતો હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 19 – (Sohan Thakor) – મહેસાણા નજીક સામેત્રા ગામની સીમમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરની હાથ બનાવટની દેશી બંદુક સાથે શિકાર કરવા નિકળેલા મહેસાણા લશ્કરી કુવાના શખ્સને મહેસાણા એસઓજીની ટીમે બાવળની ઝાડીઓમાંથી બંદૂક સાથે દબોચી લીધો હતો.
મહેસાણા લોકસભાની ચૂંટણીને લઇને અસામાજિક પ્રવૃતિઓમાં સંકળાયેલા, પ્રોહિબીશન, જુગાર તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપી તેમજ પેરોલ ફર્લો પર જામીન પર છૂટ્યા બાદ હાજર ન થયેલા આરોપીઓ સહિત ગેરકાયદેસર હથિયારો રાખતાં તત્વોને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ વી.આર.વાણીયા, પીએસઆઇ એમ.એ.જોષી, એએસઆઇ નિતીન, એહેકો. રાજસિંહ, અપોકો. જયેશકુમાર, પોકો. ધર્મેન્દ્રકુમાર, અપોકો. સંજયકુમાર, અપોકો. સચીનકુમાર, જયદેવસિંહ, પ્રદિપસિંહ, શક્તિસિંહ સહિતનો એસઓજી સ્ટાફ વિવિધ સ્ટાફ એસઓજી કચેરીએ કામગીરીમાં હતા.
તે દરમિયાન અપોકો. સંજયકુમાર તથા સચીનકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, સામેત્રાથી કરશનપુરા રોડની ડાબી બાજુ તા.જી.મહેસાણા ગામની સીમમાં આવેલ બાવળની ઝાડીઓમાં એક શખ્સ ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે શિકાર કરવા જઇ રહ્યો છે. જે બાતમી મળતાં એસઓજીની ટીમ સામેત્રા કરશનપુરા રોડ પર આવેલી બાવળની ઝાડીઓમાં પહોંચી દેશી બનાવટની બંદૂક સાથે શિકાર કરવા નીકળેલો શિકારી ખુદ શિકાર થઇ ગયો હતો. એસઓજીએ દેશી બનાવટની બંદૂક કબજે કરી સિંધી આદમભાઇ લોન્ગભાઇ રહે. મહેસાણા રાધનપુર ચોકડી, લશ્કરી કુવા, મહેસાણાવાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.