આજે દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતાં જાગરણ બાદ પાલનપુર તાલુકાના યાત્રાધામ બાલારામ ખાતે દશામાની સાંઢણી પધરાવવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ માસ દરમ્યાન દશામાના વ્રતનો અનેરો મહિમા હોય છે. શ્રાવણ માસ શરૂ થતાં ના એક દિવસ અગાઉ અમાસના દિવસે માં દશામાનું વ્રત મહિલાઓ લેતી હોય છે.

દર વર્ષે દશામાના વ્રતના ૧૦ દિવસ પૂર્ણ થયા બાદ રાત્રે જાગરણ કરીને બીજા દિવસે વહેલી સવારે પંથકમાં આવેલ નાળા અને નદીઓમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે. મહત્વનું છે કે આજે દશામાના વ્રતની પુર્ણાહુતી થતાં પાલનપુર તાલુકાના યાત્રાધામ બાલારામ ખાતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માં દશામાની સાંઢણી પધરાવવા માટે ઉમટી પડયાં હતા. જોકે ચાલુ વર્ષે નદીમાં નહિવત વરસાદને પગલે પાણી ન આવ્યું હોવાથી પાણી વગર જ નદીના પટમાં સાંઢણીઓ મૂકીને લોકો રવાના થઇ ગયાં હતા.