ગરવી તાકાત,અમીરગઢ
જોબ કાર્ડમા ગેરરીતિઓ અને મજૂરી ઓછી ચૂકવાતી હોવાની રાવ સાથે કલેક્ટરને આવેદનપત્ર
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યા બાદ હવે એક બાદ એક ગામોમાં મનરેગાના કામોમાં કૌભાંડ સામે આવી રહ્યા છે. જેમાં આજે પાલનપુર તાલુકાના લાલાવાડા ગામની મહિલાઓનું ટોળુ પણ કલેક્ટર ઓફિસે આવી મનરેગાના કામમાં ગેરરીતિ થઇ રહી હોવાની રાવ કરી હતી.
આ પણ વાંચો – મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખાનો લાંચીયો સિનિયર કલાર્ક ઝડપાયો
બનાસકાંઠા જિલ્લામાં ગરીબ વર્ગના લોકોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત તળાવ ખોદકામ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ કેટલાક અધિકારીઓ અને સ્થાનિક લોકોની મીલીભગતથી ગરીબોના હકની કમાણીના નાણાં બારોબાર પગ કરી જતા હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામી છે. ત્યારે અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે થોડાક સમય અગાઉ મનરેગાના કામમાં મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અન્ય ગામોમાં પણ હવે મનરેગા કૌભાંડ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના લાલાવાડા ગામની ૭૦ થી વધુ મહિલાઓ પાલનપુર કલેક્ટર ઓફિસ ખાતે આવી પહોંચી હતી અને લાલાવાડા ગામે ચાલી રહેલા મનરેગાના કામમાં ગેરરીતીના આક્ષેપો કર્યા હતા. જેમાં જોબકાર્ડમાં ગેરરીતિ અને મજૂરી ઓછી ચૂકવાતી હોવાની જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.