અમદાવાદમાં વર્લ્ડકપના ફાઇનલ જંગ પહેલા દર્શકોને રોમાંચિત કરશે એર-શો
ભારતીય વાયુસેનાની ‘સૂર્ય કિરણ’ એરોબેટિક ટીમ એર શોમાં અવનવા કરતબો રજૂ કરશે
ગરવી તાકાત, અમદાવાદ, તા.17 – આઇસીસી વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ભારતીય વાયુસેનાની ‘સૂર્ય કિરણ એરોબેટિક ટીમ’ ભવ્ય એર શો રજૂ કરશે. સૂર્ય કિરણની એરોબેટિક ટીમ 10 મીનીટ સુધી સ્ટેડિયમમાં હાજર દર્શકો સામે પોતાના કરતબો રજાુ કરીને મંત્રમુગ્ધ કરશે.
રક્ષા વિભાગના ગુજરાતના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે એર-શોનું રિહર્સલ શુક્રવારે અને શનિવારે થશે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમમાં 9 એરક્રાફટ સામેલ છે, જે દેશભરમાં અનેક હવાઇ શો કરી ચૂક્યા છે. મેચ પહેલા સમાપન સમારોહનું આયોજન પણ થઇ શકે છે. અમદાવાદમાં જ ભારત-પાકિસ્તાન મેચમાં પહેલા અરિજીતસિંહ, શંકર મહાદેવન, સુનિધિ ચૌહાણે પફોર્મ કર્યું હતું. બીસીસીઆઇ અમદાવાદમાં રંગારંગ કાર્યક્રમ યોજી શકે છે, પણ તેની હજુ અધિકૃત પુષ્ટિ નથી થઇ.
તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે 2 ટીમો નક્કી કરવામાં આવી છે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સિવાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને કપિલ દેવ પણ મેચ જોવા આવી શકે છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને યાદગાર અને ખાસ બનાવવા માટે એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મેચની શરૂઆત પહેલા ભારતીય વાયુસેના અમદાવાદના આકાશમાં ફાઈટર પ્લેન વડે સ્ટંટ કરશે અને ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં અજેય રહી છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયા સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ છેલ્લી 8 મેચ સતત જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મજબૂત બેટિંગ યુનિટ અને મજબૂત બોલિંગ આક્રમણ સાથે, ભારત સતત 10 મેચ જીતીને 12 વર્ષ પછી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે. આ વર્લ્ડ કપ ફાઈનલ સુધી ભારત અજેય રહ્યું છે.