વાર્ષિકોત્સવમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ઈલોક્યુશન જેવી અનેક પ્રતિયોગિતામાં ભાગ લેશે
ગરવી તાકાત, વિસનગર તા. 12 – સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભા અને કલાને મંચ પૂરું પાડવા તથા ભારતીય કળા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે યુનિવર્સીટી દ્વારા “નૂતન ઉડાન”નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે “નૂતન ઉડાન ૨૦૨૪“ ની ભવ્ય ઉજવણી તારીખ ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. ચાર દિવસીય વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, મહેંદી, શોર્ટ ફિલ્મ મેકિંગ, ઈલોક્યુશન, સલાડ ડેકોરેશન, ડિબેટ, અભિનય, સ્ટેન્ડઅપ, ગૃપ ડાન્સ, સોલો સોન્ગ, સેલ્ફી ઝોન, ફૂડ ફિયેસ્ટા, ફોટો ગ્રાફી એન્ડ રીલ મેકિંગ, પોટ પેઇન્ટિંગ જેવી અનેક પ્રતિયોગિતામાં ભાગ લેશે અને પોતાની કળા અને કૌશલનું પ્રદર્શન કરશે.
વાર્ષિકોત્સવ “નૂતન ઉડાન ૨૦૨૪” અંતિમ દિવસે તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ સ્ટેજ પર્ફોર્મન્સમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી, ઉચ્ચ શિક્ષણમંત્રી માનનીયશ્રી ઋષિકેશભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે મહેસાણા જીલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટશ્રી આર.પી.પટેલ ઉપસ્થિત રહેશે અને ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક, રિસર્ચ અને સ્પર્ધાત્મક ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુવર્ણચંદ્રક એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્તર ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધા પુરુ પાડી શકે તે હેતુથી, ઉપસ્થિત મહેમાનોના હસ્તે નુતન જનરલ હોસ્પિટલ ખાતે ૧૫ ફેબ્રુઆરીના રોજ “એમ. આર. આઈ. સ્કેનર મશીન” અને દર્દીઓ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિલક્સ રૂમોનું લોકાર્પણ કરવામાં આવશે.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તબીબી વિજ્ઞાન, વાણિજ્ય અને કળા ત્રણ મૂળ સ્તંભ છે. ‘નૂતન ઉડાન’ વાર્ષિકોત્સવ દ્વારા યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી કળા અને સંસ્કૃતિના વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.
કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવવા સમગ્ર આયોજન યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. પી. એમ ઉદાણી અને રજીસ્ટ્રાર ડો.પરિમલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પરિવાર દ્વારા ઉત્સાહ પૂર્વક કરવામાં આવી રહ્યું છે.