ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના ગુંજા ગામની સીમમાં રાધુપુરામાં જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ આ ઘટનામાં કુલ 5 લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રવીણજી લક્ષ્મણજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ઘરે હાજર હતા ત્યારે નજીકમાં રહેતા વિષ્ણુજી વીરાજી ઠાકોર તેમના છાપરા આગળ આવી અપશબ્દો બોલવા લાગ્યા અને વિષ્ણુજીએ જૂની અદાવત રાખીને લોખંડની પાઇપ વડે પ્રવીણજીને માર માર્યો.

બૂમાબૂમ સાંભળી પ્રવીણજીની ભત્રીજી અરુણાબેન ગોવિંદજી ઠાકોર છોડાવવા આવી ત્યારે વિષ્ણુજીના પક્ષે વસંતજી વીરાજી, દાડમબેન વીરાજી, સીતાબેન વીરાજી અને વર્ષાબેન વીરાજી આવી પથ્થરમારો કરતાં અરુણાબેનને ઈજા પહોંચી બૂમાબૂમ સાંભળી પ્રવીણજીના પરિવારજનો આવી પહોંચતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી. સામા પક્ષે વિરાજી ગાભાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું ગોવિંદજી લક્ષ્મણજી ઠાકોર જૂની અદાવત રાખી ઝઘડો કરવા આવ્યા તેમને ના પાડતાં ઉશ્કેરાઈ ગયા અને જ્યારે વિરાજીનો દીકરો વસંતજી વચ્ચે પડ્યો ત્યારે ગોવિંદજીએ કુહાડી વડે હુમલો કર્યો.
![]()
વીરાજીની પત્ની સીતાબેન અને દીકરી દાડમબેન આવતાં, ગોવિંદજીના પક્ષે પ્રવીણજી લક્ષ્મણજી, લક્ષ્મણજી રાધુજી, પારૂલબેન ગોવિંદજી અને લંકાબેન પ્રવીણજી તેમને મારવા લાગ્યા વિષ્ણુજી છોડાવવા વચ્ચે પડતાં તેની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટનામાં વસંતજી, સીતાબેન અને દાડમબેનને ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી 5 મહિલાઓ સહિત કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


