કોરોનાકાળમાં ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓના જીવને જોખમમાં મુકનારા ઝોલાછાપ ડોક્ટરોની અનેક ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે આવા ફરજી ડોક્ટરોને ઝડપી પાડવા ગુજરાત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી ગુજરાત પોલીસે અનેક નકલી ડોક્ટરો પકડ્યા છે જેઓની પાસે કોઈ લાયસન્સ કે ડીગ્રી ન હોવા છતાં તેઓ ઉપચાર કરી રહ્યા હતા. આવી જ એક કાર્યવાહી મહેસાણા એસઓજીની ટીમે કરી છે. જેમાં ખેરાલુના કુડા ગામેથી ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
ગુજરાત આઈજી દ્વારા દરેક પોલીસ મથકોને ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવા સુચના મળેલ છે. આ સુચનના અતંર્ગત મહેસાણાની ટીમ કાર્યરત હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ખેરાલુના કુડા ગામે ઠાકોર ચતુરજી ઉર્ફે સતીષકુમાર કચરાજી નામનો શખ્સ કોઈ ડીગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથીની તબીબીની પ્રેક્ટિસ કરે છે. જેથી મહેસાણા એસઓજીની ટીમ ખેરાલુના કુડા ગામમાં રહેણાક મકાનમાં પહોંચી આરોપીની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, બાતમી આધારેની વિગત સાચી છે. જેથી આરોપીની અટકાયત કરી, તેની પાસેની દવાઓ, ડોક્ટરી તપાસના સાધનો ઝપ્ત કરવામાં આવ્યા હતા. આરોપી વિરૂધ્ધ ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.