ઊંઝા ખાતે બિરાજમાન સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામતી હોય છે
ગરવી તાકાત, ઊંઝા તા. 02 – ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ભકતોની ભેટ સોગાદોની સરવાણી વહી રહી છે ત્યારે કેટલાક ભકતો દ્વારા માતાજીને રોકડ અને સોનાની ભેટ ચઢાવાય છે. ઊંઝા ઉમિયા માતાજી ધામ ખાતે માતાજીને ભેટ સોગાદો ચઢાવવા ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે મહેસાણા ઊંઝા ઉમિયા માતાજીને સોનાનું છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટના એક ભક્ત દ્વારા આ છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. ૩,૩૩,૦૦૦ કરતાં વધુ કિંમતના સોનાનું છત્ર અર્પણ કરવામાં આવ્યું છે. પોતાની મનોકામના પૂર્ણ થતાં આજરોજ આ છત્ર અર્પણ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.
ઊંઝા ખાતે બિરાજમાન સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામતી હોય છે. રજત જયંતી મહોત્સવ બાદ માના મંદિરે માનવ મહેરામણ સતત ઉમટી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારના લાખો દર્શનાર્થીઓ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
કેટલાક દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ થતા માતાજીને સોનાના બીસ્કીટ, સોનાનું છત્ર, સાડીઓ માતાજીને અર્પણ કરી માના આશીર્વાદ મેળવતા હોય છે. નોંધનીય છે કે, શ્રી મા ઉમિયા એ આદ્યશક્તિ જગત જનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે. મા ઉમિયાએ આદ્યશક્તિ સ્વરૂપે સૃષ્ટિની ઉત્પત્તિ કરી. મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા કાલી તેના જ સ્વરૂપો છે. જગતમાં જ્યારે પણ આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધ્યું, ત્યારે યુગે યુગે મા મહાશક્તિ જુદા જુદા સ્વરૂપે પ્રગય થયા અને દેવી શક્તિઓનું રક્ષણ કર્યું.