સંત નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ જૂનાગઢને જાણે લુખ્ખા તત્વોએ બાનમાં લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ તો થોડા સમય પહેલાં જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી એ ઘટનાને જાજાે સમય વીત્યો નથી ત્યાં ફરી એકવાર જાહેરમાં હત્યા થઈ હતી. આ વખતે પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી હતી. ધર્મેન્દ્ર પરમાર ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતાં. આરોપીઓને શોધી કાઢવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની રાહબરીમાં ટીમો કામે લાગી હતી. જાેકે, આ કેસમાં અગાઉ પરિવારે ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાન્સિલર, ઉપ પ્રમુખ સહિત ૧૯ લોકો સામે આક્ષેપ કર્યા હતા અને તેમની સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
દરમિયાન ઘટનાના બે દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદમાં ચાર અજાણ્યા ઈસમો સહીત આઠ તહોમતદાર તરીકે અને અગિયાર શકદારો મળી કુલ ૧૯ લોકોનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં ભારતીય જનતા પાર્ટીના બે કોર્પોરેટર, ભાજપ ઉપાઘ્યક્ષ અને ભાજપના શહેર અનુસૂચિત જાતિના પ્રમુખનો શકદાર તરીકે ઉલ્લેખ છે. આ શકદારોનો ફરિયાદમાં ઉલ્લેખ થતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે.
મૃતક ધર્મેન્દ્રના ભાઈ રાવણ પરમારે આપેલી ફરિયાદમાં ભાજપના કોર્પોરેટર જીવા સોલંકી, બ્રીજીસા સોલંકી, કાળા રાણવા અનુસૂચિત જાતિ મોરચના પ્રમુખ, શહેર ઉપાધ્યક્ષ અશોક ભટ્ટ, વોર્ડ નંબર ૧૫ના કાર્યકર સંજય સોલંકીનું નામ છે. પોલીસ ફરિયાદમાં મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં મહિલા ગીતા બહેને છરીના ઘા ઝીંક્યા હોવાનો આક્ષેપ છે.
અગાઉ પોલીસે જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા હતા. દરમિયાન આરોપીઓ રાજકોટ તરફ આવ્યાની અને ગોંડલ રોડ પરિન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયાની તથા ત્યાંથી રાજસ્થાન ભાગી જવા વાહન શોધી રહ્યાની બાતમી મળતા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તાલુકા પોલીસની ૨ ટીમો પહોંચી હતી.
પણ આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા અઢીથી ત્રણ કિલોમીટર ફિલ્મી ઢબે દોડીને પીછો કરી પકડી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળા સામેલ છે. ત્રણેય આરોપીને જુનાગઢ એસઓજીને સોંપી દેવાયા છે.
આ પોલીસ ફરિયાદમાં પોલીસે રાવણ પરમારની ફરિયાદના આધારે અશોક પરમાર, ગીતાબેન ચાઉ, વિકિ ઉર્ફે સાગર સોલંકી, કમલેશ ઉર્ફએ મચ્છર સુરેશ સોલંકી, તથા ચાર અજાણ્યા ઈસમોને તહોતદાર બતાવ્યા છે. જ્યારે આ ઘટનામાં ભાજપ શહેર ઉપાધ્યક્ષ અશોક ભટ્ટ, સંજય ઉર્ફે હબાડીયો, બ્રીજેશા સંજય સોલંકી, શાહિલ મોહન સોલંકી, અશોક કાળ ચાઉ, જીવા રાજશ્રી સોલંકી, હરેશ જીવા સોલંકી, કાળુ સાજણ રાણવા, વજુ મેવાડા, શૈલેસ ઉર્ફે મુસા કોળીના શકદારો તરીકે નામ છે.