વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં ચાર મહિલાઓને ચોરીની શંકા રાખીને મહિલાઓના કપડા ઉતાર્યા
આશ્ચર્યની વાત તો એ છે કે, એક જણ પણ મહિલાને કપડા પહેરાવવા આગળ ન આવ્યું. તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા
ગરવી તાકાત, વડોદરા તા. 28 – ગુજરાતમાં પહેલા ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે. વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે. આ ઘટનાથી તમે ચોક્કસથી કહેશો કો શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે. સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે. વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારવામાં આવ્યો. મહિલાઓને ન માત્ર માર મરાયો, પરંતુ તેમના શરીર પરથી કપડા પણ કાઢી લેવાયા. મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો. ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે. આશ્ચર્યની વાત તો એ છે કે, એક જણ પણ મહિલાને કપડા પહેરાવવા આગળ ન આવ્યું. તમામ પુરુષો રસ્તા પર તમાશો જોઈ રહ્યા હતા, આસપાસના લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી આ ઘટના છે. ગુજરાતના સંસ્કારને આ પ્રકારનું કૃત્ય શોભે તેમ નથી.
વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે મહિલાઓને નિર્વસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો છે. ચોરીની આડમાં 4 મહિલાઓને કેટલાક શખ્શોએ માર માર્યો હતો. ચોરીની આશંકાએ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો, એ પણ જાહેરમાં. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. શરીર પરથી કપડા જતા મહિલાઓ નિર્વસ્ત્ર થઈ હતી, જેથી ચારેય મહિલાઓ રસ્તા પર ભારે આક્રંદ કરતાં જોવા મળી છે.
આ એક પ્રકારની મોબ લીચંગની ઘટના છે. જો મહિલાઓ ચોરી પણ કરે તો પણ તેમને સજા અપાવવાનું કામ પોલીસ અને કાયદાનું છે. જાહેરમાં આ રીતે કૃત્ય કરતા પુરુષોને શરમ ન આવી. કેમ મહિલાઓને કપડા પહેરાવવા કોઈ આગળ ન આવ્યું. પુરુષો કેમ નિર્વસ્ત્ર મહિલાઓનો તમાશો જોઈ રહ્યા હતા. તમામ પુરુષો નિર્વસ્ત્ર મહિલાઓને પકડીને માર મારી રહ્યા હતા. સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે. પોલીસે મામલાની તપાસ શરુ કરી છે. ચારેય મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવાઈ છે.
આ સમગ્ર ઘટના સવાલ કરે છે કે, શું આ છે ગુજરાતના સંસ્કાર, શું આ વડોદરાના સંસ્કારો છે. એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી ભગવાન રામને પૂજવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ, મહિલાઓ સાથે આવી બર્બરતા કેટલી યોગ્ય કહેવાય. તો બીજી તરફ, એવી પણ ચર્ચા છે કે, મહિલાઓએ લોકોના રોષથી બચવા માટે જાતે જ કપડા કાઢી નાંખ્યા હોઈ શકે છે. પોલીસના સૂત્રો મુજબ, મહિલાઓએ પકડાઈ જતા જાતે કપડા કાઢ્યા હતા. પરંતુ જો મહિલાઓના નિર્વસ્ત્ર થયા બાદનું લોકોનું વર્તન પણ યોગ્ય ન કહી શકાય.