ડીસા તાલુકાના ધનાવાડાથી ટેટોડા જવાના કાચા રસ્તા પર મંગળવારે સાંજે વિદેશી દારૂ ભરીને જઈ રહેલ કાર ફસાઈ ગઈ હતી. આથી કાર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે દોડી જઈ વિદેશી દારૂ સહિત રૂપિયા ૨,૯૪,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં હે.કો. વદુજી જેહળજી, પો.કો. દિનેશભાઇ અને પો.કો. શંકરભાઇ સહિતના સ્ટાફના માણસો મંગળવારે સાંજે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતાં. જે દરમ્યાન ડીસા તાલુકાના ધનાવાડાથી ટેટોડા જવાના કાચા રસ્તા પર એક કાર ફસાઇ હોવાની ખાનગી રાહે બાતમી મળતાં તુરંત પોલીસના સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા એમએચ-૦૨-એવી- ૩૪૭૬ નંબરની હ્યુન્ડાઇ એસન્ટ કારમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે, કાર ચાલક ગાડી મુકી ત્યાથી ફરાર થઇ ગયો હતો. આથી પોલીસે કારમાંથી રૂપિયા ૧,૯૪,૧૦૦ ની કિમતની જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂ તેમજ બિયરના ૧,૦૯૮ ટીન અને રૂપિયા એક લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા ૨,૯૪,૧૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે એલસીબીમાં ફરજ બજાવતાં પો.કો. શંકરભાઇ વજેશીભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ પીએસઆઇ બી.કે.ગૌસ્વામી ચલાવી રહ્યા છે.