આજે દેશનું રાજકારણ એટલી હદે નિમ્ન કોટિએ આવી ગયું છે કે તેમાં મની-મસલ્સ પાવર ધરાવનારાઓનો દબદબો વધ્યો છે
દેશની સંસદમાં પહોંચવા માટે થતી ચૂંટણીમાં અને બાહુબલીની બોલબાલા છે
ગરવી તાકાત, તા. 29 – એક જમાનો હતો, જયારે દેશની સંસદમાં વિદ્વાન અને પ્રમાણિક લોકોનો દબદબો હતો. આજે દેશનું રાજકારણ એટલી હદે નિમ્ન કોટિએ આવી ગયું છે કે તેમાં મની-મસલ્સ પાવર ધરાવનારાઓનો દબદબો વધ્યો છે. દેશની સંસદમાં પહોંચવા માટે થતી ચૂંટણીમાં અને બાહુબલીની બોલબાલા છે. પ્રમાણિક કે વિદ્વાન ઉમેદવારને ડિપોઝીટ ગુમાવવી પડી હોવાના દાખલા છે. લોકસભા ચૂંટણીમાં ધનવાન અને અપરાધીક છબીવાળા ઉમેદવારની જીતની સંભાવના વધુ છે. આ સનસનીખેજ ખુલાસો દેશની રાજનીતિ અને ચુંટણી પ્રક્રિયા પર નજર રાખનાર બિન સરકારી સંગઠન એસોસીએશન ફોર ડેમોક્રસી રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટમાં થયો છે.
એડીઆરના રિપોર્ટમાં બહાર આવ્યુ છે કે, લોકસભાની દરેક ચુંટણીમાં કરોડપતિ અને આપરાધિક છબી ધરાવતા ઉમેદવારોની સંખ્યા સતત વધતી જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019ની ચુંટણીમાં કુલ 543માંથી 454 એટલે કે 88 ટકા બેઠકો પર કરોડપતિ ઉમેદવારોને જીત મળી હતી. જયારે 266 એટલે કે 43 ટકા સીટો પર આપરાધિક છબી વાળા ઉમેદવારોને લોકોએ ચુંટણીમાં જીતાડયા હતા.
એડીઆરની રિપોર્ટમાં બહાર આવ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ધન અને બાહુબલી મની-મસલ્સવાળા ઉમેદવારોની જીતની વધુ સંભાવના છે. બે હજારથી વધુ ઉમેદવાર કરોડપતિ: રિપોર્ટ અનુસાર 2019માં કુલ 7945 ઉમેદવારોએ ચુંટણી લડી હતી. જેમાં 29 ટકા એટલે કે 2301 ઉમેદવારો કરોડપતિ હતા, જયારે 19 ટકા એટલે કે 1503 ઉમેદવારો આપરાધીક છબીવાળા હતા. 2024ની ચુંટણીમાં પણ 2019ની જેમ કરોડપતિ અને આપરાધીક છબીવાળા ઉમેદવારોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી થયો.
રાજકીય પક્ષોને આવા ઉમેદવારો સામે કોઈ વાંધો નથી: મોટાભાગના રાજકીય દળોએ આવા ઉમેદવારો પ્રત્યે કોઈ પરહેજ નથી કર્યો. આ ચુંટણીમાં પ્રથમ બે તબકકામાં 189 સીટો માટે મતદાન થયું છે અને આ સીટો પર ચુંટણી લડનારા 2817 ઉમેદવારોમાં 18 ટકા એટલે કે 501 ઉમેદવારો આપરાધિક છબીવાળા છે અને 30 ટકા એટલે કે 840 કરોડપતિ ઉમેદવારો છે.
બીજા ચરણમાં સંખ્યા વધી: આ લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણની 102 સીટો પર 16 ટકા ઉમેદવાર આપરાધિક છબીવાળા અને 28 ટકા કરોડપતિ હતા. બીજા ચરણમાં 21 ટકા આપરાધિક છબીવાળા અને 33 ટકા ઉમેદવારો કરોડપતિ છે.કોની કેટલી સંભાવના: વર્ષ 2019માં આપરાધિક છબીવાળા ઉમેદવારની જીતની સંભાવના 4.7 ટકા હતી. 2019માં કરોડપતિ ઉમેદવારના જીતવાની સંભાવના 21 ટકા હતી.