— જલોત્રા ૧૦૮ ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી :
ગરવી તાકાત પાલનપુર : વડગામ તાલુકાના મુમનવાસ ગામે ખેતરમાં રમી રહેલ એક બાળકીને ઉ પરા ઉપરી એક સાપે બે વખત ડંખ મારતાં આ બાળકીને સાપનું ઝેર ચડવા લાગતા આ બાબતની જાણ જલોત્રા ૧૦૮ ની ટીમને કરવામાં આવતાં ૧૦૮ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડી તેનો જીવ બચાવી લીધો હતો
વડગામ તાલુકાના મુમનવાસ ગામે રહેતાં ભીખાભાઈ ગમારની ૮ વર્ષીય પુત્રી કિંજલબેન ખેતરમાં રમી રહી હતી તે વખતે તેને સાપે પગના ભાગે ઉપરા ઉપરી બે ડંખ માર્યા હતા. જેથી બાળકીએ બુમાબુમ કરતા આસપાસમાંથી તેના પરિવારજનો દોડી આવ્યાં હતાં અને સાપે ડંખ માર્યાની જાણ થતાં જ આ બાબતે ૧૦૮ ફોન કરવામાં આવ્યો હતો. જલોત્રા ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. ખુશ્બુબેન મનસુરી અને પાયલોટ મુકેશભાઈ દેસાઈ ઘટના સ્થળે પહોચી આ બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
જ્યા ફરજ પરના તબીબોએ તાત્કાલિક તેની સારવાર હાથ ધરી બાળકીને પગમાં ચડેલા ઝેર ને બહાર કાઢી તેને સારવાર કરી જીવ બચાવી લીધો હતો. હાલમાં આ બાળકી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વસ્થ હોવાનું અને સારવાર લઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર